ochchhawlal - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઓચ્છવલાલ

ochchhawlal

ચિનુ મોદી ચિનુ મોદી
ઓચ્છવલાલ
ચિનુ મોદી

કહી ગયા છે ઓચ્છવલાલ

જે નરનારી ખાય બગાસું

એના મુખમાં આવી પડશે

એક પતાસું.

તે, ઓચ્છવલાલ કંઈ કવિ ન્હોતા

કે માત્ર પ્રાસ માટે

‘બગાસું’ની સાથે ‘પતાસુ’

શબ્દ લાવ્યા હતા,

તો તર્કમય થઈ તર્કાતીત

તો શાસ્ત્રમય થઈ શાસ્ત્રાતીત

તો અક્ષરમય ને અર્થાતીત.

સત્ય શોધવા એમને હવે યત્ન નથી કરવો પડતો.

સત્ય એમને શોધતું આવે છે.

ઓચ્છવલાલને શોધતાં શોધતાં બાપડા સત્યનો

તો દમ નીકળી જાય છે.

સત્ય એમને શોધવા ક્યાં ક્યાં નથી રખડ્યું?

આલમારીમાં પડેલાં પુસ્તક પર ચડેલી રજમાંથી

એકવાર મળ્યા હતા. એટલે સત્ય તો

ઊધઇ બની પુસ્તકે પુસ્તકે ફરે અને

ત્યાં જડે એટલે નિરાશ થઈ,

લાયબ્રેરીને નાકે ઊભું રહે રીક્ષા થઈ;

આમ તો ઓચ્છવલાલ રીક્ષા સિવાય ફરે નહીં

પણ, ઓચ્છવલાલ એટલે ઓચ્છવલાલ,

તો કોકની સાયકલ પછવાડે બેસી પણ જાય

અને સત્ય બાપડું લાયબ્રેરીને નાકે વાટ જોતું

ઊભું રહે.

સત્યને મનમાં સંદેહ ખરો

કે ઓચ્છવલાલને કલાકે કલાકે કડક કમસકર ચા

તો જોઈએ જ.

બાપડું સત્ય ચા થઈ, ગંદી તપેલીમાં,

પરસેવો પાડતો હૉટેલના રસોયાના હાથે,

ગરમ થાય અને નહીં ધોવાતા કપમાંથી

રકાબી સુધી રેડાય

અને ઓચ્છવલાલે તો નવરાત્રના

ઉપવાસ ચાલતા હોય તો

બહારનું પાણી પણ પીવાનુ

પણ લઈ લીધું હોય.

અને સત્ય બાપડું

ચાંપ બની, ભઠિયાર ગલીના ગરમ તવામાં

તાવડાના ઘીથી જાત શેકે

કે પાનમાં કાશ્મિરી કમામ બનીને ચોપડાય

કે વિલ્સ કિંગ બની ધુમાય

કે રૂપિયાની નોટનું પરચુરણ અને

ને તોય ઓચ્છવલાલ હાથ આવે

તો આવે.

ઓચ્છવલાલને એક ટેવ ખરી

કે દર દશમી મિનિટે

એમને એક બગાસું તો આવે અને આવે જ.

અને સત્ય ‘વિકાસક્રમ’ના વિશ્વમાં

પરિભ્રમણ આદરે ત્યારે ઓચ્છવલાલ હાથ લાગે;

આમ તો ઓચ્છવલાલને ડઝનેકને હિસાબે

ઊંઘમાં પણ છીંક આવે જ.

પણ, શરદી થઈ હોય,

તો ઓચ્છવલાલ છીંક પણ ખાય

એટલે છેવટે સત્ય માટે એકમાત્ર ઉપાય

બગાસું રહે.

મ્હોંફાડોમાંથી સત્ય ત્યારે

ઓચ્છવલાલમાં પ્રવેશતુ.

આજ દિનના ઇતિહાસમાં

દરેક મહાન વ્યક્તિના મુખમાંથી સત્ય બહાર

આવ્યું છે

પણ, કોઈ વ્યક્તિના મુખ વાટે સત્ય અંદર

ગયું હોય.

તો એક ઓચ્છવલાલના કિસ્સામાં.

અને જો આવા અજોડ ઓચ્છવલાલ કહી ગયા હોય

કે જે નરનારી ખાય બગાસુ

એના મુખમાં આવી પડશે

એક પતાસું

તે વાણી વિશે શંકા સેવવી

નરાધમ પાપ છે,

ઈશ્વર તો ઠીક

વ્હેતા પવનનો ઈન્કાર કરવા જેવી વાત છે.

માટે, શંકા આશંકાના આજન્મ સેવકો

શંકા છોડો અને ખાવ બગાસાં

એક નહીં પણ લાખ પતાસાં.

પતાસાંથી ડાયાબિટિસ થશે એવું ઓચ્છવલાલે

કહ્યું નથી

માટે મુક્ત મને ખાવ બગાસાં

ખાવ પતાસાં. ભય સેવશો.

બાકી મરતાં મરતાં મને તો ઓચ્છવલાલ

કાનમાં કહેતા ગયા છે

કે પતાસું પણ એક બગાસું તો રાજ ખાય છે.

આવી ઝીણવટભરી દૃષ્ટિના ઓચ્છવલાલ હવે

આપણી વચ્ચે નથી

ઓચ્છવલાલનો આત્મા પ્રભુને શાંતિ આપો,

શાંતિ આપો.

સ્રોત

  • પુસ્તક : શાપિત વનમાં (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રુપાલી પ્રકાશન
  • વર્ષ : 1976