wrikshone - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વૃક્ષોને

wrikshone

મફત ઓઝા મફત ઓઝા
વૃક્ષોને
મફત ઓઝા

વૃક્ષો હલાવો ના હવે ડાળ!

સંચારબંધી છે.

હવે ઊભાં રહેશો નહિ ચારે મળી

મૂળસોતાં જાઓ અહીંથી.

એકસો ચુંમાળીસની કલમ અમે અહીં નાંખી છે.

ફૂલોને ખીલવાનું બંધ;

પવનને પમરવું હોય તો પમરી શકે છે બંધ બારીમાં;

પછી ના દેશો દોષ

બંદૂક અમે તાકી છે.

સડક પર

મૃગજળ પણ મૃગ થઈ નહિ દોડી શકે,

ઘોડાની નાળ જડેલી એડીઓ

કાંટાળી વાડ જેવી રોપી દીધી છે.

દીવાલો

પારદર્શક નીકળી છે એટલે

પવનની ચણી લીધી છે ચોતરફ-

જાઓ

બોલાવી લાવો તમારા અહમદશાહને

કે પછી ચોક વચ્ચે-ખડો કરી દો ગાંધીને

શો ફેર પડવાનો હતો?

મશીનગન ફરતી ગોઠવી દીધી છે.

તમારે જીવવું છે?

જાઓ, જઈ પડો થઈ લાશ કોઈ ગલીના નાકે.

પંચક્યાસ પછીયે અમે ક્યાં એને ઉપાડી છે?

વૃક્ષો હલાવો ના હવે ડાળ!

સંચારબંધી છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 269)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004