ડોશ્મા ડોશ્મા તમારા દાંત ક્યાં ગ્યા
doshma doshma tamara dant kyan gya
કમલ વોરા
Kamal Vora
ડોશ્મા ડોશ્મા તમારા દાંત ક્યાં ગ્યા
મીની લઈ દઈ, મીની લઈ જઈ
મીની ક્યાં ગઈ
મોંમાં ઘાલી વાગભઈ ઉપાઈ ગ્યો
વાઘભાઈ ક્યાં ગ્યો
જંગિલમાં... જ્યો... જંગિલમાં...
જંગલ ક્યાં છે
જંગિલ એક.. બે.. તણ.. ચંઈ... સાત દળિયા.. પાર
દરિયા ક્યાં છે
માછયીના ડોકે ઝૂલતાં મોત્યુંમાં
માછલી ક્યાં છે
માછયી માઈ આ મૂઠીમાં
ડોશ્મા ડોશ્મા મુઠ્ઠી ખોલો મુઠ્ઠી ખોલો
મોતી વીંધું દરિયાખેડું
જંગલ ગોતું
વાઘભાઈને પૂંછડીએ ઝાલું
ઊંધો પટકું જડબું ફાડું મીનીબેન છોડાવું
મીનીબેન પર સવાર થઈ
ડોશ્મા તમાયા દાંત લઈને આવું
પછી તમ્મે બટકુંક રોતલો ખાજો
દોસાને સંબારજો
હાલયડું ગાજો
ગાતાં ગાતાં ખાતાં ખ... ખ... ખ...
ડોશ્મા તમ્મતમ્માલે દાંત તાઢજો રે તાઢજો
સ્રોત
- પુસ્તક : વૃદ્ધશતક (પૃષ્ઠ ક્રમાંક 79)
- સર્જક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2015