રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોછે... ને... એક વખત એક હતો ડોસો
ને એક હતી ડોસી
એક સાંજે
ડોસોડોસી ઘરઘર રમવા બેઠાં
ડોસી કહે
હું થાઉં ખુરશી તું ટેબલ
મૂંગેમૂંગાં તોય પાસપાસે રહીશું
ટગરટગર એકમેકને જોયા કરીશું
ડોસો કહે
હું થઇશ વાટકો તું થાજે થાળી
તને દઈશ તાળી
ડોસી કહે
તું કારેલાનું શાક હું ઊની રોટલી
મારી છૂંછી ચોટલી
રમતાં રમતાં રાત પડી,
રાત પડી ને લાગી ભૂખ
ખાલી ગરવું ખાલી ઠામ ખાલી કૂખ
તે ખાંખાંખોળાં કરી કરીને
ડોસો લાવ્યો ચોખાનો દાણો
ડોસી લાવી મગનો દાણો
ચૂલે મૂકી હાંડલી
પણ ખીચડી કેમેય ચડે નહીં
આંખથી આંસુ દડે નહીં
ડોસી કહે આડોશમાં જાઓ પાડોશમાં જાઓ
પા-પોણો કળશો પાણી લાવો
ડોસાના પગ ધ્રૂજે ડગલું ભરતાં ઝૂજે
ડોસી ઊભી થવા જાય
કેડ ને કેમે સીધી થાય
કાચી ખીચડી ખાવા
ખાટલો ખેંચી બેઠાં
બેઠાં... બેઠાં... ત્યાં તો ખાટલો ગયો ખસી
ડોસીબેન પડ્યાં હસી
ને ડોસાભાઈ પડ્યા હસી
સામટાં પડ્યાં હેઠાં
વેરાઈ ગયા દાણાદાણ અડધા કાચા અડધા એઠા
એક ચકો આવ્યો
આવ્યો ને લઈ ગયો ચોખાનો દાણો
એક ચકી આવી
આવી ને લઈ ગઈ મગનો દાણો
રમતાં રમત પૂરી થઈ
ડોસાએ ન ખાધું
ડોસીએ ન પીધું
કીધું, બસ આટલુંક અમથું રાજ કીધું
સ્રોત
- પુસ્તક : વૃદ્ધશતક (પૃષ્ઠ ક્રમાંક 58)
- સર્જક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2015