અજાણ્યા જેવો લાગતો એક શખ્સ
વારંવાર આવીને એની બાજુમાં બેસી જતો ત્યારે
વૃદ્ધને ભારે ચીડ ચડતી
આઘે હડસેલવાનો પ્રયત્ન કરતો
જોયું, ન જોયું કરવા જતો
તો એ એના પેટમાં આંગળાં ખોસી ખલેલ પહોંચાડતો
વૃદ્ધના પેટમાં આંટીઓ ઉપાડા લેતી
પણ કળ વળે તે અગાઉ એ ઇસમ ગાયબ થઈ જતો
ફરી પાછો અણધાર્યો નક્કી આવી ચડતો
એક વાર વૃદ્ધે એને ઠમઠોરવાનું વિચારી રાખેલું
પણ ઉગામેલો હાથ એવો તો સજ્જડ ઝલાઈ ગયેલો
કે પછી કદી સીધો ન થયો
ફેર વખતે વૃદ્ધને વધુ હિંસક થવું હતું
કશુંય થઈ શકે તે અગાઉ તો
એના ગળા ફરતે ભારેખમ્મ હાથે ભરડો લઈ લીધેલો
ભીંસ તો એટલી ભારે કે ઉધરસનાં ઊંબાડિયાં અને
શ્વાસમાં વલખાં ક્યારેય અટક્યાં નહીં
છૂમંતરિયા આગંતુક સાથે કેમ પનારો પાડવો
તેની ગડ બેસાડ્યા વિના છૂટકો નહોતો
હવે વૃદ્ધ એની એકધારી રાહ જોતો
એને બીક હતી કે એવુંય બની શકે
એ આખેઆખો એના શરીરમાં પેસી જાય અને
પછી ક્યારેય બહાર જ ન નીકળે
એવું કંઈ થાય તે અગાઉ
એનો ચહેરો જોઈ લેવો જોઈએ
એની જરાક અમથી ઓળખ થઈ જવી જોઈએ
એવા વિચારોમાં ગરકાવ વૃદ્ધને
અજાણ્યા એ જણે
ક્યારે એની બાજુમાં ગોઠવાઈ જઈને
આખેઆખો પોતાની અંદર સમાવી લીધો
એ ખબર પણ ન પડી
સ્રોત
- પુસ્તક : વૃદ્ધશતક (પૃષ્ઠ ક્રમાંક 86)
- સર્જક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2015