પ્રતિષ્ઠા પંડ્યા
Pratishtha Pandya
તેં મોકલેલા લેખના
પહેલા પાના પર
લીપેલાં ઘરના ઓટલા પર
બેઠી એ હસતી હતી ખિલખિલાટ.
એના હસવાથી
રંગ પકડતી હતી
દરકાર વગર શરીરે વીંટાળેલી
એ કુમકુમરંગી સાડી
એના હસવાથી
થઈ ચાંદી ચળકતી હતી
એના ખુલ્લા ખભા પર
હાંસડીનાં હાડકાં પર
ચોંટેલી ઘરડી ચામડી
એના હસવાથી
ઊભરીને આવતી હતી
હાથ પરનાં છૂંદણાંની
લીલી ભાત ફરી
એના હસવાથી
ઊમટીને આવતી હતી
એની આંખના મોતિયા પાછળ
દટાયેલી કંઈ કેટલીય ગઈ કાલો.
ક્યાંય સુધી એ ફોટામાં હસતી
ઘરડી દેમતીને મેં જોયા કરી
એના હાલી ગયેલા
આગલા બે મોટા દાંત વચ્ચેના
દરવાજા મહીંથી મને એ તાણી ગઈ
એના ભૂખ્યા પેટના પેટાળમાં
અહીં અનંત લગી ફેલાયલો
લાય લાય અંધકાર
વચમાં ન દેવમુકુટ,
ન ગદા, ન સુદર્શનચક્રો
બસ આંખ આંજી નાખતા
કેટકેટલા સૂરજ સમી
એકમાત્ર લાકડી
એને ઝાલીને ઊભેલી દેમતી
એના નાજુક કાઠમાં સમાઈ જતા
અગિયાર રુદ્રો
બાર આદિત્ય
આઠ પુત્રો વસુના
બે અશ્વિનીકુમાર
ગંધર્વગણ, યક્ષગણ
અસુરો ને સિદ્ધ સૌ
ને એના થકી જ નીકળે
ચાલીસ ચાલીસ સલીહા કન્યા
લખચોરાશી ચારણ કન્યા
સૌ વિપ્લવો ને ક્રાંતિના કરનાર
સૌ ખુલ્લી આંખે સ્વપ્નના જોનાર સૌ
ત્રાડના પોકારનાર, રામરાજ્યને ધ્રુજાવનાર
શું પુરુષ લોખંડી, શું મહાત્મા સહુ
ભુલાયેલા ઇતિહાસના એકેક કિરદાર સૌ
વહેતાં નીર, બદલાતાં વહેણ ગંગાનાં
અડગ અરાવલી, ગિરનાર સૌ
એના થકી જ નીકળે
એના થકી જાયે સમાઈ
મુજ માત, મુજ તાત, મુજ વિશ્વ સૌ!
સ્રોત
- પુસ્તક : નરસંહારના સમયમાં પ્રેમ (પૃષ્ઠ ક્રમાંક 36)
- સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2025
