garal - Free-verse | RekhtaGujarati

કોઈ ઘૂંટે છે ગરલ

ચન્દ્રના ખરલમાં.

લીલ બાઝેલી તળાવડી જેવી આંખોમાં

ઝમે છે લીલુંછમ ઝેર;

કટાક્ષની અણીએ વિષ કાઢે છે તીક્ષ્ણ ધાર;

આંગળીને ટેરવે ટેરવે ટપકે છે દાહક રસ;

અન્ધકારનાં સૂજેલાં પોપચાંની ભીતર વિષનો ધબકાર;

સૂર્યનો ઊકળતો વિષચરુ

પુષ્પોના મધુકોષમાં,

શબ્દ અને મૌનના પડ વચ્ચે,

ગાઢ આલિંગનમાં ભીંસાઈ ગયેલા શૂન્યમાં,

ટીપે ટીપે

ક્ષણોના ભંગુર પાત્રમાં સ્રવે છે વિષરસ.

હવાની લપકતી જીભ ચાટે છે વિષ,

જળના ગર્ભમાં વિષની પુષ્ટતા,

મોતીના મર્મમાં વિષની કાન્તિ,

કાળના મહુવરમાં વિષનો ફુત્કાર.

વિષથી તસતસ આપણે ફાટું ફાટું થતા બે બુદબુદ.

કોઈ ઘૂંટે છે ગરલ

ચન્દ્રના ખરલમાં.

સ્રોત

  • પુસ્તક : ઈતરા (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : સુરેશ જોષી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : 2