kon kahe chhe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોણ કહે છે

kon kahe chhe

પન્ના નાયક પન્ના નાયક
કોણ કહે છે
પન્ના નાયક

મેં વર્ષોથી ભારત છોડી દીધું છે. ન્યૂયોર્કના

શીતલ એરપોર્ટ પર

પરદેશી પોશાકમાં

કોઈનું ધ્યાન દોરી શકતી હું

મસાલાને બદલે

લીંબુના રસ વાળી ચ્હાની મઝા

માણી શકું છું.

મારા પાસપોર્ટના ભારતીય ચહેરા પર

અમેરિકન આંગળાંઓ

અને અમેરિકન સિક્કાઓની છાપ

ક્યારની પડી ચૂકી છે.

તું હવે આવવો જોઈએ -ના

ખ્યાલમાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ ઉથલાવું છું.ટેવ મુજબ

નજર ખોડાઈ જાય છે

ભારતીય સમાચારને પાને…આંખો અહેવાલ વાંચે છે ત્યારે

મન

મુગ્ધા બનીને

અંધેરીના પરિચિત ઘરમાં વિહરી આવે છે.અને પછી

અમેરિકાના

અને બીજા આંતરરાષ્ટ્રીય સમાચારમાંય જાણે

શોધું છું કેવળ ભારતને…

કોણ કહે છે

મેં વર્ષોથી ભારત છોડી દીધું છે?

સ્રોત

  • પુસ્તક : નિસ્બત (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : મિહિકા પબ્લિકેશન્સ
  • વર્ષ : 1984