tun maro janak, hun tari janeta - Free-verse | RekhtaGujarati

તું મારો જનક, હું તારી જનેતા

tun maro janak, hun tari janeta

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
તું મારો જનક, હું તારી જનેતા
લાભશંકર ઠાકર

‘આ પ્રભાત શિર અશ્વનું-

ને સૂર્ય તેની આંખ.

પવન શ્વાસ; અશ્વનું ઊઘડેલું મુખ તે અગ્નિ.

સંવત્સર તેનું શરીર અને આકાશ પીઠ.

આકાશથી પૃથ્વી વચ્ચેનું અંતરિક્ષ અશ્વનું ઉદર’

‘ઍન્ડ વૉટ આર ધીઝ સિઝન્સ?’

‘અશ્વનાં અંગો, મામ.

માસ-પક્ષો અંગોના સાંધા,

દિવસ-રાત અશ્વના પગ

તારકો અસ્થિ

મેઘો શરીરની માંસધાતુ

રેતી મામ, અર્ધું પચેલું અન્ન-’

‘અને રેતીમાં આમ રેખાઓ દોરતી આંગળીઓ?’

‘મારી-’

‘અને તું’

‘આઈ ડૉન્ટ નો મામ. આઈ ડૉન્ટ નો હુ એમ આઈ?

મામ ટેલ મીઃ હુ એમ આઈ?’

‘માય સન, મારો બચુડો.’

‘ઍન્ડ હુ આર યૂ?”

‘તને અવિરત ધવરાવતી ધાત્રિ’

‘ઍન્ડ વ્હાય આર વી?’

તારું પ્રયોજન આમ ધાવવું. હું તારી ધાવ.

‘હું ધાવણો નથી.’

‘અરે મારા સાત ખોટના માણસ-

તું છે તો હું છું -

તું મારો જનક, હું તારી જનેતા.’

‘અને ગતિમાન અશ્વ, મા?

નદીઓ જેની સિરાઓ છે -

અને બગાસું વિદ્યુત.

- તેનું શરીર કંપતા-મેઘગર્જના થઈ!

અને અશ્વની મેહધારામાં વર્ષા.

મા, કહે કોણ છે અશ્વ?’

‘આપણું સંતાન’

‘મા, દિવસ ઊગ્યો જાણે

અશ્વના મુખ પાસે મૂકેલું સુવર્ણપાત્ર'

‘અને રાત્રિ તે અશ્વના પાછલા પગને અથડાતું ચાંદીનું પાત્ર’

‘રાઈટ મામ, પણ મારે તને જોવી છે.’

‘રે કોઈ ક્ષણે હું તારાથી અલગ નથી, પિતા!’

‘પણ તું પ્રત્યક્ષ નથી થતી-’

‘તારા આશ્લેષમાં છું પુરુષ, ગાઢ આશ્લેષમાં.

તારી પ્રત્યક્ષતાના તંતુ તંતુમાં વીંટળાયેલી છું પુરુષ -

‘મારું પૌરુષ ફગાવી દઉં તને જોવા

‘તો તું મારી મીરાં દાસી જનમ જનમ કી -'

‘અને તું?’

‘તારો ગિરિધર ગોપાલ’

‘ના, ના. હું નથી પુરુષ, નથી સ્ત્રી.’

‘તો હું તારી મા ભવાની-

તારા તાબોટાના તાલમાં-

અંતિરક્ષમાં લહેરાય મારી નવરંગ ચૂંદડી -

મૈં ચીજ બડી હું મસ્ત મસ્ત –’

‘ક્યાં?’

‘રે તારા મનમાં, તારી સંવિત્-ધારામાં

ચઢ રે ચઢ-

પાવા તે ગઢનાં પગથિયાં ચઢ –’

‘તું ક્યાં મળીશ મને?’

‘તારી પ્રતીક્ષાના કૉરીડોરમાં-

‘છલનામયી! તે મને ઢાંકી દીધો છે. આઈ એમ રેસ્ટલેસ. મારે મને

જોવો છે.’

‘આપણે અલગ નથી, પુત્ર.

એક છીએ. તું હાંફે છે તો-

પર્વતોનાં શિખર જેવાં મારાં પયોધરો, ઊંચાંનીચાં થાય છે.

તું છે તો હું છું.

હું છું તેથી તો તું તું છે.

તું મારો જનક. હું તારી જનેતા.’

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 321)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004