Tran Virah Kavyo - Free-verse | RekhtaGujarati

ત્રણ વિરહકાવ્યો

Tran Virah Kavyo

જયન્ત પાઠક જયન્ત પાઠક
ત્રણ વિરહકાવ્યો
જયન્ત પાઠક

(૧.) ગઈ રાતે

ગઈ રાતે

તારાઓના પ્રકાશમાં

સામેના વૃક્ષની ડાળીને

એકાએક વીંઝાતી જોઈ

આમતેમ

ઉપરતળે

ને તમે સાંભરી આવ્યા

પછી તો

ડાળી પવનની છાતી પર શાન્ત

ને હું

આમતેમ

ઉપરતળે

આખી રાત વીંઝાતી...

(૨.) પરોઢિયે

પરોઢિયે

આછા અંધકારમાં

તમે સામે ઊભા રહીને કહ્યું :

‘મારે જવું જોઈએ...

હમણાં સૂરજ ઊગશે...’

તમે તો ગયા; પણ...

સૂરજ પછી ઊગ્યો નહીં!

(૩.) નસીબ

મેં જોયું છે કે

તમે હમેશાં ભૂલા પડો છો :

કેટલીય વાર

છેક ઘર પાસે આવીને

પાછા વળી ગયા છો!

રસ્તો તો સાવ સીધો છે

નસીબ વાંકું...

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ