ગ્લોરિયા ફર્ટીસ
Gloria Fuertes
તારું નામ કાને પડે છે
અને હું એનાથી થોડીક લૂંટાઈ ગઈ હોઉં એમ થાય છે.
માન્યમાં નથી આવતું કે
એ અડધો ડઝન અક્ષરો આટલું બધું કહી શકતા હશે.
મારી અદમ્ય ઝંખના છે -
તારા નામથી દરેક દીવાલને ઉડાડી મૂકવાની
બધાં જ ઘરો હું એનાથી રંગી નાખું
એેવો એક પણ કૂવો ન હોય
જેમાં વાંકા વળીને મેં તારા નામની બૂમ ન મારી હોય
કે એવો એક પણ પથ્થરિયો પહાડ ન હોય
જેમાં એ છ અક્ષરો છૂટા પાડીને
પડઘો પાડવા મેં ઉચ્ચાર્યા ન હોય.
પંખીઓને તારા નામનું ગીત શીખવવાની
માછલીઓને તારું નામ પીતાં શીખવવાની
માણસોને તારું નામ જપ્યા જેવી દીવાનગી
બીજી એકેય નથી એવું શીખવવાની
મારી અદમ્ય ઝંખના છે.
બાકીના બાવીસે અક્ષરો
બધા જ આંકડાઓ
વાંચેલાં પુસ્તકો, લખેલાં કાવ્યો
એક ધડાકે ભૂલી જવાની
તારા નામ સાથે 'હલો' કરવાની
તારા નામ સાથે રોટી માંગવાની
મારી અદમ્ય ઝંખના છે.
“એ હંમેશાં એક જ વસ્તુ રટ્યા કરે છે” જ્યારે મને જુએ
ત્યારે તેઓ આવું કહે અને
હું એટલી ગર્વીલી, એટલી સુખી એટલી આત્મનિર્ભર થઈ જાઉં.
અને મારી જીભે તારું નામ રાખીને હું પરલોકમાં જઈશ.
એમના બધા જ સવાલોના જવાબ હું તારા નામ સાથે આપીશ.
– ન્યાયાધીશો અને સંતો કશું સમજશે નહિ —
ભગવાન મને તારું જ નામ અવિરત, નિરંતર
રટ્યા કરવાની શિક્ષા કરશે.
(અનુ. ઉત્પલ ભાયાણી)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
