tanki - Free-verse | RekhtaGujarati

સહેજ મોટી હતે તો સેલ્લારા લેતે મગરમચ્છ

સહેજ નાની હતે

તો મોઢે માંડત

*

સંભળાય

પેલી તરફ

પાણીને પડછાયે પલળતાં પારેવાંનું ગુટર્ગું

તરફ

પરપોટાની બુડ બુડ

શેવાળનો શ્વાસોચ્છ્વાસ

જળનું હાસ્ય

ખળખળાટ

*

આષાઢમાં

પાણી અને પાણી વચ્ચે

પાતળું પડ પહેરીને ઊભા રહેવું

કેમ ગમતું હશે આને?

*

વાદળી હતે

તો નળની નહીં

મોરલાની ચાંપે વરસતી હતે

*

ચકલી ચાંચ ઝબકોળે ટાંકીમાં...

આંદોલાય અચ્છોદ સરોવર

ડોલે દેવદાર

વાયુ વાંસળી વજાડે

ખિસકોલો શીંગ ધરે ફોલીને

ખિસકોલીને

વાદળની છાયા સરે

હેમકૂટ પર્વત પર હળવેકથી

ઇન્દ્રનો રથ ઊતરે

સ્રોત

  • પુસ્તક : રાવણહથ્થો (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2022