jhumpaDpatti - Free-verse | RekhtaGujarati

ઝૂંપડપટ્ટી

jhumpaDpatti

કિસન સોસા કિસન સોસા
ઝૂંપડપટ્ટી
કિસન સોસા

સુકાયેલા મૂતરની ફૂટપાથ પર

બાંય વગરના પ્હોળા મેલા ખમીસવાળાં

પત્તાં ચીપતા છોકરાઓ...

ઈલેક્ટ્રિક બત્તીના થાંભલે

લટકતી વાસની ખાટ નીચે

વીણેલા કાગળના ડૂચાઓનો ઢગલો

કંતાન-ઝોળીમાં પગ વડે ખૂંદતી

મરિયલ સ્ત્રીઓ...

ગંદા માજરપાટનો પડદો હઠાવતા

ઝઘડતા ગંધાતા ગ્લાસો

વધેલી કાબરચીતરી દાઢી

કતરી ખાધેલા નખ વડે ખણતા

બીમાર સૂઝેલા ચહેરાઓ....

પાછળ, ગૂંચવાયેલા પાટાઓ ઉપર

બળાત્કાર કરાતી છોકરીની મરણચીસ જેવી

પસાર થતી ટ્રેનો...

ઊંચે

ચારે તરફ

ઢળ્યા પોપચે ઊભા

સ્કાયસ્ક્રેપરના બુદ્ધ!

સડેલા ધૂળિયા પાંદડાંના વિકરાળ વડલા હેઠ

ઠઠાડી જૂનો, જર્જરિત ડગલો

બેઠો છે ‘માજા વેલો'

ભૂખ્યોડાંસ!

તાકી રહ્યો છે મધ્યાકાશે

ફફળતા રોટલા જેવો સૂર્ય...

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008