sugamta - Free-verse | RekhtaGujarati

તમે એની પાસે—

વાડની મેંદી કપાવી લેશો,

ફળિયું વળાવી લેશો,

બળતણનાં લાકડાં ફડાવી લેશો,

વાડીએ ટાંપું ખવરાવી લેશો,

ઢોરાંની ગમાણ બનાવડાવી લેશો,

આ બધું તો તમે કરાવતા જ હો છો.

એ તો ફરાવી જ લેવું,

એની નાય કોણ કહે છે

પણ આ બધું પતાવ્યા પછી....

તમારે એને રાતની વાસી કઢી–

આપવાની છે તે ના ભૂલતા;

કેમકે એંઠવાડની છાંટ

તમને થોડી આઘી પડે છે?

ને ત્યાંય બાઈઓ બબડતી જ હોય છે,

“પીટ્યાં કૂતરાં ય સારખાયાં થઈ ગ્યાં,

ઈમને ય કોરી ને ચોપડેલી રોટલીની ખબર્ય પડે!!”

સ્રોત

  • પુસ્તક : એકલવ્યનો અંગૂઠો (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : નીલેશ કાથડ
  • પ્રકાશક : શિલ્પા પ્રકાશન
  • વર્ષ : 1987