rageragma kalmindh shilao tale - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રગેરગમાં કાળમીંઢ શિલાઓ તળે

rageragma kalmindh shilao tale

ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા
રગેરગમાં કાળમીંઢ શિલાઓ તળે
ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા

રગેરગમાં કાળમીંઢ શિલાઓ તળે

ગુપ્ત વહેતી હડપ્પન નદી

ઉછાળ આટલે કાળેય ધસમતી આવે છાતી લગી.

વારસાઈ મિરાતના દસ્તાવેજો,

વહુઆરુની જણસો,

ઓળીપાલીંપણની ભાત ને ચૂનાગેરુનાં ચિતરામણમાં જીવતી હથેળીઓ,

રજાઈધાબળીના ટાંકામાં ઊઘડતી વંશની સ્ત્રીઓની અગણિત બપોર.

અનેકાનેક ઓચ્છવનાં વરાંરસોડાં,

ગૂંજતાં વ્રતજાગરણ.

કેટકેટલું?

કુળની મરજાદ સાચવતી,

ઉંબરા, બારસાખ ને તુલસીક્યારો પૂજતી,

પાંચ દિવસ ખૂણો પાળી,

નીતરતાં રહી સઘળો અજંપો, થાક ને મૂંઝારો વહાવી દઈ

દરમાસે નવ અવતાર ધારનારી

ઠાવકી, કામઢી અને રૂપાળી સ્ત્રીઓ

આજ આટલે કાળેય ધસમસી આવે છાતી લગી,

વારતીડારતી રહે સતત.

એમની જણસોના નક્કર જૂના ઘાટ પિગળાવી

નવા ઘાટને મનગમતી મીનાકારી કરાવું.

ઘરનાં સજીવનિર્જીવ પર ઓળઘોળ થવાના,

અકથ્ય, અસહ્ય ચૂંથારામાં પગનાં અંગૂઠા વડે ભોંય ખોતરવાના,

વંશની દોમદોમ સાહ્યબીની ચૂપચાપ ઠાઠવેઠ કરવાનાં હજાર વાનાં,

જાતફરતે જાતે ચણેલી અભેદ્ય લોખંડી દીવાલો,

રગેરગમાં કાળમીંઢ શિલાઓ તળે ગુપ્ત વહેતી હડપ્પન નદી.

અસંભવ એવું સુકાવું.

ઉછાળ આટલે કાળેય ધસમતી આવે છાતી લગી.

જતનથી જાળવેલો કુળવારસો પેઢીદરપેઢી દીકરીઓને આપી જનારી સ્ત્રીઓના

જીવતર આખાના પરિશ્રમ, પરિતાપથી રચાયેલ લોહનગર,

એની ભોંયમાં ફંફોસું ગુપ્ત સુરંગ-

રૂંધામણી વંશપ્રણાલીઓની ઠસોઠસ

ગીચતાથી નીકળી જવા જોજનો દૂર.

ખોદું ત્યાં અક્ષત અવશેષો.

માટી તળે દટાઈ જાય ઓરતા.

કંતાયેલા હાથની આંટણોમાં,

રોજેરોજ ઉમેરાતી જતી રેખાઓમાં

આજના નકશા કરતાંય વધુ સુરેખ મારા વંશની સ્ત્રીઓની મુખાકૃતિ.

લોખંડી દીવાલો વચ્ચે અથડાતી ગૂંગળામણથીયે વધુ પ્રબળ છે

એમની હળવી છતાં કડપભરી બોલાશનો રણકાર,

એમનાં હાસ્ય ને ક્રંદન,

ઊંઘ ને ઉજાગરા

કડપને હળવાશ ને મરજી ને અકળામણ.

તમામ સંપદા સમેટતાં, સાચવતાં હું આખેઆખી લોહીઝાણ.

આરા વિનાનું લોહનગર

ને

રગેરગમાં જડબેસલાક ખોડાયેલી કાળમીંઢ શિલાઓ તળે ગુપ્ત વહેતી હડપ્પન નદીનોય

કોઈ ઓવારો નહીં.

તરવાઊગરવા મથતાં

ઘોડાપૂર ઉછાળમાં ધ્વસ્ત આજ.

ધારદાર કરચો કરપાયેલી આંગળીઓ વચ્ચે દાબી,

ત્વચા તળે ઘર કરી રહેલાં અડાબીડ રાનમાંથી

મારગ કંડારવાનું પડતું મૂકી,

ભીષણ જળપ્રપાતમાં પાષાણવત્ જડાઈ જઈ

બની જાઉં કાળમીંઢ શિલા

મારા વંશની સ્ત્રીનો ચિરપરિચિત ચહેરો.

લોહનીંગળતી હથેળીએ સંચિત કરું

હડપ્પન નદી ને લોહનગર

મારા વંશની દીકરીઓ કાજે.

સ્રોત

  • પુસ્તક : મારા વંશની સ્ત્રીઓ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2007