melo - Free-verse | RekhtaGujarati

જન્માષ્ટમીની રાતે

વસુદેવની સાથે સાથે

આખી આખી રાત

જાગતી અમારી નાનકડી આંખો

કરતી પ્રાર્થના મનોમન :

હે ભગવાન! કાલે વરસાવતો વરસાદ

તને તો ખબર છે

કાલે જન્માષ્ટમીનો મેળો છે સીમાડે...

દિવસે

સમીસાંજે

માના હાથમાં હોય મારી આંગળી

પકડતી છૂટતી

ફરી પકડતી ફરી છૂટતી

ધમકાવતી : પકડી રાખજે આંગળી

ખોવાઈ જઈશ મેળામાં ક્યાંક

ચીમટા ખખડાવતા બાવાઓ હશે આટલામાં ક્યાંક

મદારીનો ખેલ

નાગની ફેણ

રિસાઈને પિયર જતી વાંદરી

વાંદરાભાઈની સાસરી

વાજું વગાડતો અંધ મુનિયો

દોરડા પર ચાલતી છબીલી

દસ પૈસાની આંબલી

આઠ આનામાં ચકડોળ –ઘોડા વિમાનની સવારી

એક રૂપિયાની રબરની ઢીંગલી

બે રૂપિયાના ચૂલો વેલણ પાટલી

એક રૂપિયાની ટેમ્પો, ગાડી

ટિક-ટિક ટિક-ટિક ડુગ-ડુગ પોં-પોં ભોં-ભોં

હે-હે હા-હા હી-હી હૂ-હૂ હમહમ

પમપમ ચમચમ ખમખમ ઘમઘમ...

***

વખતે

માની આંગળી મારા હાથમાં હતી

વખતે

માની આંગળી પકડી રાખી હતી મેં

હું મેળામાં છું કે ખોવાઈ ગઈ છું

તે જોવા ખૂલતી નથી માની આંખો

ચીમટા વિનાના ક્યા બાવાઓ કરે છે ભયભીત મને

તે પૂછવા ઊઘડતા નથી તેના હોઠ

વખતે

માએ છોડી દીધી છે આંગળી

વખતે

શ્વાસ દેખાય એટલો સૂનકાર છે તો

ખોવાઈ ગઈ મા!

કોને કહું

કૃષ્ણ જન્મી ચૂક્યો છે

પણ મારી દેવકી મરી ગઈ છે

સમીસાંજે

વખતે

મારો મેળો ખોવાઈ ગયો!

(નવનીત-સમર્પણ)

સ્રોત

  • પુસ્તક : મોઝાર (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : પન્ના ત્રિવેદી
  • પ્રકાશક : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ
  • વર્ષ : 2023