panjo kachchh - Free-verse | RekhtaGujarati

પાંજો કચ્છ

panjo kachchh

વસંત જોષી વસંત જોષી
પાંજો કચ્છ
વસંત જોષી

જાણું છું માટીને

નથી કરાળ

નથી રેતાળ

મુઠ્ઠીમાંથી સમય સરે

તેટલી ધીમી ગતિ

તેની મહેકવાની

શાંત

મંથર

તિરાડો પડતી નથી દુષ્કાળગ્રસ્ત ચ્હેરા પર

લથબથ દેહ

નીતરે બાવળની આડમાં

સળવળતું રહે

ભીનું હાસ્ય

ઓળખું છું

માટીને

નથી કસદાર

કદાવર કાયા

પાણીદાર આંખ પાછળ

મલકે રાત

ઠંડી ગુલાબી

આંગળાથી ખોતરાય નહીં બારીક પડ

પોત પાતળું નથી તિરાડોનું

રણ અને દરિયો

મુઠ્ઠીભર મોજાં

સૂંઘતાં સીધી

ઊતરી જાય

માટી

સ્પર્શતા ભીતર સરકે

તળિયે મોતી

ચાખી છે

માટી

સળગી ઊઠતી આગમાં

ભૂખ શેકીને ખાધી છે

ખિલખિલાટ હાસ્ય સાથે

રણઝણી ઊઠે છે

માટી

ક્યારેકના વરસાદથી

તો

ક્યારેક

મારા સ્પર્શથી

સ્રોત

  • પુસ્તક : ક્ષિતિકર્ષ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : વસંત જોષી
  • પ્રકાશક : व्यंजना
  • વર્ષ : 2000