ek shakyata tara hothni hoy chhe, hanmeshan - Free-verse | RekhtaGujarati

એક શક્યતા તારા હોઠની હોય છે, હંમેશાં

ek shakyata tara hothni hoy chhe, hanmeshan

પ્રબોધ પરીખ પ્રબોધ પરીખ
એક શક્યતા તારા હોઠની હોય છે, હંમેશાં
પ્રબોધ પરીખ

‘પ્રણયની પણ તૃપ્તિ થતી નથી,

પ્રણયની અભિલાષ જતી નથી.’

-કાન્ત

એક શક્યતા તારા હોઠની હોય છે, હંમેશાં,

જે ખૂલતા હોય છે, આવતા જતા હોય છે

અને જાણે પ્રવેશવા માટે હોય છે.

બીજી તારી.

તું એક અશક્ય ઘટના બની અવતરે, પછી

હાલેચાલે માણસોની જેમ

તને સ્પર્શું કે વઢું કે ખેદાનમેદાન કરી નાખું

તો પણ ભૂત બની સવાર થઈ જાય

મનમાં, શરીરનાં અંગેઅંગમાં

કાં તો જાદુગર

કાં તો

ચુડેલ

કાં તો સખી કે પછી ગેરહાજર

એક શક્યતા હંમેશાં અંધાપો લાવી દેતી.

આખેઆખી તને બસ ભરખી જવા

ઝંખનાના તાપમાં બાળી દેતી

ચૂરેચૂરા કરી

ફંગોળતી

જાતને વિખૂટા પાડી

વાઢી લેતી.

એક શક્યતા, તું, હંમેશાં

એક વિચાર છે મને તારા સુધી લઈ જતો

જોકે વચમાં ભરખી જતો

પહેલાં આકાશ, પછી ઘર

પછી ઝાડ પાન દેશ અને વેશ

પછી હાથ અને પગ

હડપી જતો

એક સ્વપ્ન છે તારાં સ્તનોનું

જાણીતાં, ફરી ફરી પીધેલાં

જોકે વચમાં સરકી જતાં

પહેલાં સવાર, પછી સાંજ

પછી ચારે પાસ

વળી જતાં

લટકી જતાં

એક ઝંખના છે

તારામાં પૂરેપૂરા સંતાઈ જવાની.

*

જે કંઈ છે તો અધૂરું

તડકો પણ ઢોળાય નહિ છેક સુધી

પંખી પણ ગાય નહિ સભાખંડો ગાજી ઊઠે ત્યાં સુધી

હજુ હમણાં જે અંતરમાં હતું, સ્તનોની વચ્ચોવચ

કીડીની મધ્યમાં, હથેળીમાં, હોઠમાં, પગના

અંગૂઠાને ચૂસતું

તેય હોમાઈ જાય, તણાઈ જાય, કાળમુખા

વિચારોમાં ભટકાઈ જાય

જે કંઈ આવી મળ્યું

આપોઆપ જાગી ગયું

અજાણતાં પવન બની લહેરી ઊઠ્યું

કાને કાને રણકી ઊઠી

રસ્તો થઈ પાંગરી ઊઠ્યું

તેય વેરાઈ જાય

પાણી બની પ્રસરી જાય

જે કંઈ છે તે સાવ આવું

ક્ષણે ક્ષણે ફૂટી જાય

*

ત્યાં સુધી નહીં

અહીં સુધી આવ

ઊતરી જા અંતરની આરપાર

વીંધી નાખ રહ્યાંસહ્યાં નિશાનો

અહીં સુધી નહીં

છેક સુધી આવ

તોડી નાખ, ફોડી નાખ

આકાશને, અગ્નિને

માટીને

રૂપ ગંધ સ્પર્શને

ભૂંસી નાખ

અહીં નહીં

ત્યાં નહીં

બધે ફેલાઈ જા

દોડી આવ

અહીં ત્યાં બધેથી

છેક સુધી

દોડી આવ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1998