
અગાઉ
ભાઈદાસ સભાગાર અને ચંદન સિનેમા વચ્ચે
મારા ઘરની આસપાસ
કેટલાંક ખુલ્લાં મેદાનો હતાં.
એમનાં કોઈએ નામ નો’તાં પાડ્યાં.
કોઈ એમને ભાડે આપવા યે નો’તું કાઢતું નવરાત્રીમાં.
વરસાદ વખતે તો
ત્યાં તળાવડાં થઈ જતાં
ને કશી હો-હા વિના સેંકડો સફેદ જળપંખીઓ ત્યાં આવી પહોંચતાં.
આપણને બન્નેને એ ગમતા.
હું પ્રસન્નતાથી ઉમેરતો : કાલિદાસ કે સૌમિલ્લકનાં
કોઈ પ્રાચીન પ્રકરણનાં આશ્ચર્યકારી પાત્રો જેમ,
અપટીક્ષેપે.
તું તીરછું હસીને પૂછતો : એટલે?!
ઝાઝા ડામર વગરનો એક કાચોપાકો રસ્તો
પોતાના પગ નીચે કાંઈ કચડાઈ ન જાય એ જોતો જોતો
ઘીમે ઘીમે ત્ચાંથી પસાર થતો’તો.
એ તને ગમતો. તારા આવવાનો રસ્તો હતો એ.
રસ્તાની એક તરફનાં તળાવડાંમાંથી પ્રગટતી તોતિંગ ભેંશો
બીજી તરફનાં પાણી માટેનાં કુતૂહલથી દોરવાતી,
ત્ચાં ખાબકવાનાં અરમાન લઈને, ચકિત લોચનોવાળી,
એ રસ્તા ઉપર આવી જતી જ્યારે
ત્યારે
પાંચ-સાત પેસેન્જરોવાળી બેસ્ટની લિપસ્ટિક લગાડેલી નાજુક બસ
ઠરાવેલું સ્ટોપ આવે એ પહેલાં જ
ઠમકતી નૃત્યાંગના જેવું સ્મિત કરી અધવચ્ચે જ ઊભી રહેતી.
એ બધું તો હું બહારથી આઘેથી જોતો.
તું તો એની અંદર બેઠેલો, એવી બસને જોનારા મને
બસની અંદરથી જોતો.
એવી જ એકાદ બસમાંથી કંઈક અજંપાથી અધવચ્ચે ઊતરી જઈને
તું ચાલી નાખતો થોડુંક અંતર
તારી-મારી ઉમ્મર વચ્ચેના તફાવતના ખાખડખુબડ મારગનું,
ને આવી પહોંચતો
ચોતરફ પાણીથી ઘેરાયેલા ટાપુ જેવા, એ તળાવડા, વચ્ચેના મારે ઘેર.
પછી વાતો વરસતી, સપનાં સૂસવતાં, ક્રોધ કડાકાભેર ઝબકારા મારતો
ને નજીકમાં જ વીજળી પડી હોય એવાં ગંધક-ગંધાતાં વિશેષણો
ક્યારેક નામની સાથે, ક્યારેક નામની અવેજીમાં તું સતત બોલતો.
તારા ઉચ્છ્વાસના પવનોની ઝાપટથી
નજીકની કામચલાઉ કાછિયાબજારનાં છાપરાંનાં પતરાં
ઊંડી ઘૂસેલી માન્યતાઓના કટાયેલા ખીલા તોડાવી
વરસતે વરસાદે હવામાં અધ્ધર ઊછળતાં.
તારો શ્વાસ થઈને જે પહોંચી તારી મજબૂત છાતીની અંદર
એ હવા જ કેવળ જાણી શકી
બેકાબૂ નોંધારાપણાની આડશમાં રહેલી કરુણાને,
તારી કરુણતાને યે.
એવા માહોલમાં
આંધળા અશ્વોની અપરાજેય તાકાતથી ભરેલી તારી-મારી રંગભૂમિ
ખરી પછાડી પુચ્છ ઉછાળી એક છલાંગે
બસો, ભેંશો અને કાછિયાઓથી ન સમજી શકાય એવી જબાનમાં
હણહણી ઊઠી’તી એક વાર.
પછી તને વળાવવા માટે હું આવ્યો ત્યારે
પાળી અને છાપરા વગરના બસસ્ટોપ પર
ટાઢા લોઢાના રાતા થાંભલાને અઢેલીને તું ઊભો રહ્યો’તો.
વીજળીઓના સબાકાવાળા આકાશ નીચે,
આહ્લાદભર્યો.
ઠીકઠીક સમય સુઘી બસ આવી નહોતી.
ને જે-જે બસોએ, ચંદન કે ભાઈદાસ તરફથી આવીને દેખા દીધી
બધીઓ¬¬¬¬¬¬ ¬
તને જોઈને, જાણે કે,
જાણે કે મોડી રાતે આઘેના કોક ડેપોમાં પાર્ક થવા દાખલ થતી હોય, એમ
પેલાં તળાવડાંઓમાં પેસી જતી;
ને ત્યાં બગલાં, બતકો, રાજહંસો, શિકારાઓ, રાજનૌકાઓ,
ડૂબક-કિશ્તીઓ, પરવાળાં, મોતી અને વૈડૂર્યમણિઓના પુંજ વચ્ચે
પોતાનું સ્થાન ગ્રહણ કરી
રોકાઈ જતી;
ને પોતપોતાના હૉર્નથી આવડે એવા મલ્હાર રાગ ગાતી.
તું તો,
ક્યારની કોઈ બસ આવતી નહોતી તોપણ,
મને યાદ છે બરોબર, કે ખુશ થઈ ગયો’તો,
તારા ચહેરા પર આષાઢ મહિનાનો વૈભવ પથરાઈ ગયો’તો
બસ-સ્ટોપ પર સાથે ગાળેલી એ સદીઓ દરમિયાન તું ઘણી વાર ક્હેતો.
“જોયું ને?”
– ને હું જોતો.
પાંખોવાળા પહાડો આકાશમાં ઊડતા.
યક્ષો, કિન્નરો અને ગંધર્વો આવતા અને ગીતો ગાતા.
જો કે માનસરોવર ભણી સુડોળ ઊડતા રાજહંસોની ચાંચમાં
કમળતંતુઓની જગ્યાએ કોઈકે ગોઠવી દીધી હતી
હાઇ-વોલ્ટેજની વીજળીઓ.
તું કહેતો : “જોયું?”
પછી તારી બસ આવતાં તું ગયો,
વરસોવા તરફ,
ને હું પાછો ફરીને જોઉં
તો ચોતરફનાં મેદાનોમાં તો મકાનો જ મકાનો થઈ ગયાં હતાં,
સોસાયટીઓ જ સોસાયટીઓ,
ને અગાશીએ અગાશીએ ચણી લેવાયેલી એકધારી ટાંકીઓમાં
અષાઢ-શ્રાવણનાં પાણી જૂન-જુલાઈના વોટર-સપ્લાયનું નામાંતર ધારણ કરી
પંપ-ઇન થઈ ગયાં હતાં.
એકબીજાનાં પાંસળાંમાં કોણી મારી હસતાં
હાઉસફુલ પ્રેક્ષકો જેવાં એ સોલ્ડ આઉટ મકાનો
ભાઈદાસ અને ચંદન વચ્ચે તસુમાત્ર જગ્યા છોડ્યા વિના
સ્હેજ પહોળાં થઈ, કમ્પાઉન્ડ-ટુ-કમ્પાઉન્ડ જામી પડ્યાં હતાં.
મને યે તે પછી બીજાં ગામોમાં મોકલી દેવાયો.
હવે ક્યારેક
પેલા આઘેઆઘેના ડેપોમાંની
મનમાં ને મનમાં કશોક મલ્હાર ગાયા કરતી જાદુઈ બસોમાંની કોઈક,
ત્યાંથી નીકળી,
રાજહંસોની ગતિએ ચાલતી, વૈડૂર્યમણિખચિત રાજનૌકા જેવી,
ભાસ કે અશ્વઘોષના કોઈ લુપ્ત નાટકના અલૌકિક પાત્ર જેવી
એકાદી
આ તરફ જ્યારે આવે
ત્યારે
આ ફેરે
મારે એને અધવચ્ચે ઊભી રાખવી છે.
મને લાગે છે કે
અંદર તું હશે.
(જાન્યુઆરી ૨૦૧૯)



સ્રોત
- પુસ્તક : મહાભોજ (પૃષ્ઠ ક્રમાંક 65)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2019