સિદ્ધાર્થ
Siddharth
મંગળ રાઠોડ
Mangal Rathod
મંગળ રાઠોડ
Mangal Rathod
આટલા બધા ડુંગરા અડગ
ને આટલી બધી નદીઓ ધોરી નસો જેવી
આટલો વિશાળ સમુદ્ર સદા ઘૂઘવતો સઢોમાં
અને આ સાહસિક ને શ્રદ્ધાળુ હોડીઓ!
આટઆટલાં બંદર બાહોશ
અને આ શહેરો સમૃદ્ધ.
આટલાં બધાં રંગબેરંગી લોકો
અને આટલાં બધાં પંખીઓ આકાશવિજેતા.
આટલાં બધાં સમુદાર વૃક્ષો અને
કરાળ ખેતરો આ ખેડાતાં ચાસે ચાસે સ્ત્રીસમાન!
ને આટઆટલાં માસલ ફળ!
શી રીતે ત્યાગી શકું મારા દેવ?
મને માફ કરજે.
મારા ઇરાદા પર એક પગે ઊભો ઊભો
હવે હું થાકી ગયો છું ઊંબરામાં જ.
ભોગવીને ત્યાગું ઘર કે
ત્યાગીને ભોગવું ઘર બહાર
એવી ગડમથલ મારી હવે ઊકલતી જાય છે
શ્વાસોચ્છ્વાસની આ અનિવાર્યતામાં.
મને માફ કરજે મારા દેવ
હું સિદ્ધાર્થ હવે પાછો ફરું છું...!
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 12)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
