ughaDwa wishe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊઘડવા વિષે

ughaDwa wishe

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
ઊઘડવા વિષે
હરીશ મીનાશ્રુ

કશુંક ઉઘાડું રહે છે

કટાયેલા ઉજાગરાવાળું અથવા મિજાગરાવાળું

કશુંક ઉઘાડવું પડે છે આંસુ અથવા તેલ ઊંજીને

ને કંશુક

જૂના સંચના ચોરખાના જેવું

ઉઘાડવાના લાખ પ્રયત્ન છતાં ઊઘડતું નથી

જે વસ્તુ વાખેલી નથ એને ઉઘાડવાની નોબત આવે છે. ક્યારેક

દાખલા તરીકે ચીતરેલું તાળું

સૌનો સ્પષ્ટ અભિપ્રાય હોય છે કે

ફટ્ટ કરતુંક ઊઘડી જશે ચીતરેલી ચાવીથી

પણ રીતે તો

સમસ્યા બેવડ વળી જાય છે : સૌ શોધાશોધ કરવા મંડી પડે છે

ચીતરેલા તાળાની ચાવી

અથવા ચીતરેલી ચાવીથી ઊઘડી શકે તેવું તાળું

અથવા બન્ને

છેવટે બચે છે એક વિકલ્પ : પરોવી દો એને

ચીતરેલી ચાવીઓના ચીતરેલા ઝૂડામાં

ભવિષ્યમાં કોઈ કળ અને અનુકૂળ તાળું ઉઘાડવાની ગણત્રીથી

ઘણીવાર જૂના પ્રેમપ્રકરણની જેમ

અડધી ઉઘાડી રહી જાય છે કોઈ બારી

ઉઘાડી હોવા છતાં એને કેમ કરીને ઉઘાડી શકાતી નથી

ને મગદૂર છે કોઈની કે એને બંધ કરે?

ઉઘાડવા જતાં ઉઘાડા પાડી દે છે કેટલીક વસ્તુઓ

ને તેથી

જાંઘ અને જીવનચરિત્ર જેટલી પોતીકી હોવા છતાં

એમને ઉઘડવાની હિંમત ચાલતી નથી

પૃથ્વીની અર્ધીપર્ધી ઉતારતી હોય તે રીતે

ઊઘડે છે એકવડા બાંધાની

શ્યામળી છત્રી

ને પોકારે છે બંડ આકાશની શ્યામલતા સામે

ઉત્તર તરફ ઊઘડતું બીજ અને બુંદ ઓસનું

ધીરે ઘીરે

કરે છે આરોહણ મોક્ષ તરફ

મરસિયા વિનાનું શાંત મરણ ધારણ કરીને

સખીદાતારના દક્ષિણ કરની જેમ

મેઘ અને મેદુર પયોધર ઊધડે છે દક્ષિણ દિશા પ્રતિ

જાણે અનુકંપાનો અવરોહ

દેખીતી રીતે ઉત્તર તરફ ઊઘડેલી વસ્તુઓ પણ

ઊઘડતી હોય છે દક્ષિણ તરફ

કુટિલતાપૂર્વક

ત્યારે એકત્રિત થાય છે દુરિત ચાળણીમાં

દશે દિશામાં ઊઘડી જાય છે તો કંઠ હોય છે

અથવા સૂર્ય અથવા ચન્દ્ર અથવા ફૂલ અથવા પ્રેમ અથવા વિરહ

ઇંડું અને ઇચ્છા

ઊઘડે છે કેવળ બહારની તરફ

ઘડે છે સ્વયંને, ઊઘડે છે અને ઉઘડનારને હિસ્સેદાર બનાવી મૂકે છે

પડળ, પિંડ અને પીડાનું

અંદર બહાર બંને તરફ ઊંઘડતી

પેલી ગુહ્ય વસ્તુઓ : ઘરગૃહસ્થી અને યોનિ

ઊઘડે છે ને તમને ધકેલી મૂકે છે ઘઉંવર્ણા કારાગારમાં

ઊઘડે છે ને તમને ટેવ પડે છે સ્પર્શની, સહવાસની

જન્માંતરોની ઉઘાડવાસની

ઊઘડે છે ને દુન્યવી અને દારુણ બની જાય છે હોવું

જે વસ્તુઓ ઊઘડે છે

કેવળ અંદરની તરફ

તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ.

સ્રોત

  • પુસ્તક : બનારસ ડાયરી (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2016