bodhisatwanun swapn saptak - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બોધિસત્વનું સ્વપ્ન સપ્તક

bodhisatwanun swapn saptak

ઉષા ઉપાધ્યાય ઉષા ઉપાધ્યાય
બોધિસત્વનું સ્વપ્ન સપ્તક
ઉષા ઉપાધ્યાય

નિદાઘના તપ્ત શુષ્ક,

અતિપ્રલંબ દિવસોમાં

કૈલાસના હિમધવલ શિખરે

સમાધિસ્થ થયેલા મહાદેવને

વિક્ષુબ્ધ કરતાં,

દૂરથી પ્રણિપાત કરતાં

ને નિર્નિમેષ નિહાળી રહેલાં

પ્રતીક્ષારત પાર્વતીનાં ચરણો પર

જે પ્રેમપૂર્વક ગંગાની જલધારાનો

અભિષેક કરી રહ્યા છે

એવા હે સર્વજ્ઞ શિવ!

અમારું કલ્યાણ કરો.

*

હે સખી! જો તો ખરી!

પોતાનાં સુકુમાર ફૂલોને

શકુન્તલાના કર્ણદ્વયમાં સજાવીને

રસિકજનોમાં પોતાને અમર કરનાર

કવિ કાલિદાસના વિયોગે

અશ્રુઘારા વહાવતી

શિરીષની શુષ્ક, નિષ્પર્ણ ડાળીઓ

શકુન્તલાનું સ્મરણ થતાં

કેવી મુકુરિત બની ગઈ છે!

*

સખી!

ઘડીકમાં કમલદલ પર ઊડતા,

ત્યાંથી મધુમાલિકાનાં નાજુક પુષ્પોમાં

આશ્રય લેતા

ને પછી વળી

અમલતાશનાં સોનેરી ફૂલો પર

ઝળુંબી રહેલા ભ્રમરનો

શ્યામ રંગ

કેવો શોભી રહ્યો છે!

*

ટચૂકડા હાથ લંબાવી

ચંદ્રને પકડવાની જીદ કરી રહેલા પુત્રનું

સ્મરણ થતાં

ઊંઘમાં પણ મલકી રહેલી માતાના

મુખચંદ્રને જોઈને

વિસ્મય-વિમુગ્ધ વરસતી

ચાંદનીને જુઓ!

*

ગાજવીજ સાથે વરસતા વરસાદમાં

ભયભીત થઈને નાસતાં

હરણાંઓ

મેઘગર્જનાને સિંહનાદ સમજીને

નાસી રહ્યા હશે

કે પછી

ઘનઘોર આકાશમાં

ગર્જના સાથે ચમકી ઊઠેલી વીજળીને

શિકારીનું તીર સમજીને!

*

અજવાળિયાની મધરાતે

ઝાકળિયામાં જાગી રહેલો

યુવાન કૃષક

કોને યાદ કરીને

હૃદયને વીંધી નાખતા

વિષાદમધુર સૂરે

પાવો વગાડી રહ્યો છે!

*

સૂર્ય અસ્તાચળમાં ડૂબી રહ્યો છે,

પંખીઓ માળામાં પાછાં ફરી રહ્યાં છે,

એવે સમયે

નદીનાં વહેતાં જળ પર ઝૂકેલાં

કાશપુષ્પો

કોની પ્રતીક્ષામાં ચામર ઢોળી રહ્યાં છે!

*

બંધ મીલોનાં ભૂંગળાની છાયામાં

સૂતેલા બોધિસત્ત્વ

સાત-સાત સ્વપ્નોના રથે થઈને સવાર

વિચરી રહ્યા છે

વિગત જન્મોની વનરાજીમાં,

વિગત રહી છે

એમના સ્વપ્નસ્થ ચહેરા પર

નિયૉન લાઇટ

ને એમની તપઃકૃશ કાયા સન્મુખ

વિનીત ભાવે ઢળેલી

સાબરમતી

કરપાત્રમાં ધરી રહી છે એમને

નગરે દીધી સંક્રાન્ત...

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007