jalsaghar - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રકાશના અરીસામાં તર્યા કરે છે જલસાઘરનાં ઝુમ્મરો

હવે જલસાઘરમાં કોઈ રહ્યું નથી.

હમણાં ઓગળી જશે ઝુમ્મરની મીણબત્તીઓનાં આકાશ

બુઝાઈ જશે જીદ કરી સળગતી મીણબત્તીઓ

દીવાલોને તડ પાડી પિયારીબાઈની ઠૂમરી ડૂબી જશે હુગલીના પ્રવાહમાં

નાંગરેલી ફૂલોની નૌકા તળે.

ગડડડ ઠલવાતી પ્યાલીઓના રતૂમડા અંધકારમાં હમણાં હતા બધા.

પાનબીડામાં ચાવતા હતા કથ્થઈ જિંદગીની ઉપલી લીલાશ.

અંગાર સંકોરતી હુક્કાની ચૂંટની મૃત નદીમાં વહી ગયા છે કેટલાક.

રાખ નીચે આંખો લપકાવતો સૂતેલો અગ્નિનો સિંદૂરિયો રંગ.

રંગની કીકીઓ તળે તરતી પ્રતિમાઓ

આંખોમાં ઈલોરાય થીજી ગયેલા દાયકાઓના સંગેમરમરમાં લવંગના પડછાયા

લખલખે ઝૂમ્મરના લટકતા હીરાઓમાં બરૂઓનું રાન.

ગંગાનો ઘાટ.

ઝૂમ્મરવાળી છત તોડીને લાલ ઈંટોનાં બાકાંઓમાં ઊગેલા બિલાડીઓના ટોપ ઓઢી

હળુહળુ આવતો ઝાંઝરનો અવાજ.

આંગળીઓના સ્પર્શમાં પિયારીબાઈના સાજિંદાઓના પડી રહેલા વાયોલિનનો કંપ

ઊગી જાય અંધકારમાં સૂરોને મશરૂનાં વંન.

અંધકારમાં હમણાં ડૂબી જશે ઝુમ્મરો પછી કોઈ નહીં રહે જલસાઘરમાં.

કલકત્તા-મદ્રાસ મે’લની છેલ્લી વ્હિસલ થઈ ચીસી ઊઠશે શેષ પ્રહરને

એલેન્બી રોડ પર કૂતરો બે ગૅસ લાઈટના થાંભલા વચ્ચેના અવકાશને ભસીને રડી પડશે.

પછી ગૅસલાઈટનું પીળું ધાબું તિરાડોમાંથી સરકીને ફરી સળગાવશે ઝુમ્મરો

જલસાઘરમાં ઝુમ્મરો ફરી તર્યા કરશે પ્રકાશના અરીસામાં

ફરી પિયારીબાઇનો કંઠ પ્રકાશના પીળા ધાબાના મૃદંગ પર ઠુમરાયા કરશે.

સવારે એલેન્બી રોડ પર ડામરની ક્રૅકમાં ખરી પડશે ગૅસ લાઈટનું પીળું ધાબું

હવે કોઇ નથી જલસાઘરમાં

તડકામાં તર્યા કરશે ખાલી ઝુમ્મરો

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 274)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004