gharajhurapo 8 - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘરઝુરાપો - 8

gharajhurapo 8

બાબુ સુથાર બાબુ સુથાર
ઘરઝુરાપો - 8
બાબુ સુથાર

આજે આખું શહેર

કેમ જુદું લાગતું હશે?

રસ્તાની બેઉ બાજુએ ઊભેલાં વૃક્ષો

કે જેમનાં નામ પૂછવાનો સમય પણ મને હજી મળ્યો નથી

કેમ આજે મારાં સ્નેહીજન બનીને ઊભાં હશે?

મારા ઘેરથી દસ ગલીઓ દૂર આવેલી એક નદીએ

મને હંમેશા પજવ્યો છે-

કેટલા પ્રયત્ન કર્યા તો પણ

હું હજી એના નામનો ઉચ્ચાર પણ બરાબર કરી શકતો નથી.

નદીના જળમાં આજે કેમ મારા ગામના વડનું પ્રતિબિંબ પડતું

હશે?

કેટકેટલા માણસોને હું રોજેરોજ જોઉં છું જતાંઆવતાં

એમના ચહેરા આમ તો ક્યાંથી યાદ રહે?

પણ, આજે પણ બધાં

મારી સ્મૃતિમાં ગોઠવાઈ ગયાં છે

કક્કાવારી પ્રમાણે.

આવું તો કદી બને ખરું?

દીવાલ પરની ઘડિયાળ પર નજર કરી

જોયું તો મારા આંગણામાં આવેલો લીમડો ત્યાં હાજરાહજુર-

મેં એના પડછાયે બાંધેલો સમય છોડ્યો-

ઓહ્, દસ વાગી ગયા!

હું જલ્દી તૈયાર થઈને નીકળ્યો

જોઉં છું તો શહેર આખું ગિરધર રામાયણ જેવા તડકામાં તરબોળ!

સ્રોત

  • પુસ્તક : ઘરઝુરાપો (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : બાબુ સુથાર
  • પ્રકાશક : હેતુ પ્રકાશન
  • વર્ષ : 2010