dudhni kothlio leva jati strio - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દૂધની કોથળીઓ લેવા જતી સ્ત્રીઓ

dudhni kothlio leva jati strio

ઇંદુ જોશી ઇંદુ જોશી
દૂધની કોથળીઓ લેવા જતી સ્ત્રીઓ
ઇંદુ જોશી

નાઇટ ગાઉન પહેરેલી ને

સવારના લગભગ સાડા પાંચથી છના અરસામાં

દૂધની કોથળીઓ લેવા જતી સ્ત્રીઓ,

અર્ધઊંઘમાં ને અર્ધજાગૃત અવસ્થામાં,

જો કોથળીઓ એક કરતાં વધુ હોય તો,

સાડીના સેલની પ્લાસ્ટિક બૅગ કે કપડાંની થેલીમાં

મૂકી ઘેર પાછી ફરે છે.

કોઈક તો વળી પેલી બિલાડી

બચ્ચાને મોંથી ઝાલી જતી હોય

એમ એક કોથળી તર્જની ને અંગૂઠાથી પકડી,

હાથ હલાવતી પાછી ફરતી હોય.

મારા ફળિયાની હોય તો

‘જે શ્રીકૃષ્ણ’ કહેશે, પછી હું પસાર થઈ જાઉં

પહેલા તરત પૂછશે,

‘આજે કેમ તમે?’

અને જવાબ સાંભળવાની રાહ જોયા વિના

પ્રશ્ન પૂછી શકાયો એવા સંતોષથી

ચાલી જશે.

હમણાંથી હવે ડિસેમ્બરનો શિયાળો

શરૂ થઈ ગયો છે ને

સવારે સાડા પાંચથી છમાં

અંધારું હોય.

નિયોન લાઇટ્સના અજવાળે

દૂરથી ગાઉન પહેરેલી સ્ત્રીઓના ઓળા દેખાય.

પાસે આવે ત્યારે એકબીજીને

ઓળખવાનો પ્રયત્ન કરે.

તેમાંય કોઈકે સ્વેટર શાલ કે સ્કાર્ફ ઓઢ્યા હોય

તો આંખો વધુ સતેજ કરે

અને

ઓળખાણ મેળવીને જંપે કે

તો બાજુની સોસાયટીની બે નંબરી

(જો જો હોં! એટલે કે બે નંબરના ઘરની એમ સમજવું)

દૂધવાળીના ગલ્લા પાસે આછા ઉજાસમાં

પહેલાં એકબીજીને જુએ ને પછી

દૂધની કોથળીઓ માંગે.

પશ્ચિમ દિશામાં સૂર્ય ઊગતા પહેલાંનો ચંદ્ર

આજે જરાય ઝાંખો નથી,

પૂર્ણ છે, થોડો પીળાશ પડતો પૂનમનો.

તારાય થોડાઘણા છે તેની આજુબાજુ.

હું દૂધના ગલ્લે પહોંચું છું ત્યારે

પાસે સૂતેલું એક કૂતરું ઊંઘરેટી આંખે

મારી સામે થોડું જોઈ લે છે ને

મને પેલી સ્ત્રીનો પ્રશ્ન યાદ આવે છે,

‘આજે કેમ તમે?’

દૂધની કોથળીઓ લઈ,

નાઇટ ગાઉન પહેરેલી હુંય

પાછી ફરું છું.

સ્રોત

  • પુસ્તક : ગજાર (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : ઇંદુ જોશી
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2017