banaras Dayri - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બનારસ ડાયરી

banaras Dayri

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
બનારસ ડાયરી
હરીશ મીનાશ્રુ

લિસ્સો ઉમળકો છે સ્ત્રીને સાથળમાં

પુરુષની જાંઘમાં ઉન્માદ.

ત્વચાની સરહદોવાળા બે નક્શા

પૃથ્વીના ગોળાકાર પર જુદ્ધે ચઢે છે

પ્રત્યેક વૃક્ષનાં મૂળિયાં પુલ્લિંગ બનીને

માટીમાં ઘૂસે છે ઠેઠ ઊડે.

વાસનાની પેઠે ટમટમે છે

દીપક ને બાતી

જોણે યૌવન માટે કરગરે છે બુઝાવા આવેલો યયાતિ.

કવિના ખડિયાની ગહેરાઈમાં ઘૂસે છે અન્-ઙ

એક કિત્તો તંગ

ચિત્તની છિપોલીમાં જરામરણનાં ઝેરકોચલાં જેવું વાઙમય

લહીને લોહીનો લય

બની જાય છે ટઠડઢણ સરીખું કઠણ

તથદધન

જેવું કામુક મન

ઈશારા કરે છે મોઘમ, જાણે પફબભમ

યરલવશ હણહણીને ઉછાળે છે

આગલા બે પગ કવિતામાં કામવશ...

ને તે ઘડીએ

પ્રાતઃકાળની અજાન ને

પહોળી ફૂલપાંદડીઓ પર ઝાકળનાં સ્ખલન.

પછી પક્ષીઓ પ્રભાતિયાં જેવાં લંબગોળ ઈંડાં મૂકે છે

મૌલાના રુમની બકરી વિયાય છે બાકરબચ્ચું

કોહેતૂરનો પહાડ વિયાય છે માટીનું ગચ્ચું

એમાંથી જન્મે છે તરણાં, લીલાં ઝરણાં, કાચાં મરણાં

ગમાણમાં ગાભણાં મસ્જિદ ને મંદિરને ઊપડે છે વેણ

જાણે છે

ઊંવા ઊંવા કરતા જોડિયા ઈશ્વર, પાછલી ખટઘડીએ.

અંતરીક્ષની યોનિમાંથી પ્રગટે છે શૂન્યનું, બચોળિયું

કેવળ જણનારી જાણે છે એની વેદના

ને કરોડો વર્ષની એક ઘરડી દાયણ

ગલૂડિયાની જેમ પંપાળે છે તેજનાં રૂંછાવાળો સૂરજ.

આજે મારી બારીમાં જે સવાર પડી છે તેને દેખતાં

કબીર કહે છે :

જસ કા તસ તુ અનપઢ ઠહરા, ભોર ભયી તબ કાહે કકહરા,

મણિકર્ણિકા ઘાટની મોંસૂઝણાંની રાખની ઢગલીઓને

મેં કરી રાખી છે તારી સિફારસ,

ફજેટી દે તારી દેવપોઢી અગિયારસ

મોડું થઈ જાય તે પહેલાં, જા,

બૂલા રહી હૈ તુઝે કબસે તેરી ‘સુબ્હે બનારસ’!

સ્રોત

  • પુસ્તક : બનારસ ડાયરી (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2016