shaher - Free-verse | RekhtaGujarati

પ્લાસ્ટર ઑફ પેરિસનાં

સ્તનો પર

બ્રેસિયરની જાહેરાત પહેરીને

શહેર

હંમેશા ઉશ્કેરતું રહે છે

અને કહેતું રહે છે કોઈક મને.

બધું પારદર્શક થઈ ગયું છે હવે.

તોડી ફોડી શકાય એવા

કાચ જેવું.

હે ચારુશિલા શહેર

કશુંય અપારદર્શક રહ્યું નથી હવે

એટલે કદાચ હું

તોડી ફોડી શકતો નથી કશુંય,

હે વિનોબા ભાવે

હવે હું ય, સાક્ષી ભાવે–

જોયા કરું છું; અહીં–

બ્રેસિયરના ભાવમાં

મારી ચારુશિલા!

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981