shabdona agiya - Free-verse | RekhtaGujarati

શબ્દોના આગિયા

shabdona agiya

સંસ્કૃતિરાણી દેસાઈ સંસ્કૃતિરાણી દેસાઈ
શબ્દોના આગિયા
સંસ્કૃતિરાણી દેસાઈ

ઘણી વાર મારી મચ્છરદાનીની અંદર

પકડી લાવું છું

શબ્દોના અગિયાઓને

ને સૂતાં સૂતાં જોયા કરું છું તેમની ઊડાઊડ.

અંધારામાં ચમકતા શબ્દોના આગિયાની

બનાવું છું ઘણી વાર મોટી વણજાર.

ખૂબ મજા આવે છે તેમના પ્રકાશને જોવાની

ને રમું છું તેમની સાથે મોડી રાત સુધી.

પણ સવારે ઊઠું છું ત્યારે

પડ્યા હોય છે આસપાસ

આગિયાઓનાં શબ,

વેરવિખેર

રોજ નિશ્ચય કરું છું

કે શબ્દોના આગિયાઓને

નહીં પકડી લાવું મચ્છરદાનીમાં.

પણ રાત પડે છે ને

શબ્દોના આગિયા વગર ઊંઘ નથી આવતી મને

ને પકડી લાવું છું તેમને ફરી પાછી...

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 335)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007