mane lage chhe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને લાગે છે

mane lage chhe

દલપત પઢિયાર દલપત પઢિયાર
મને લાગે છે
દલપત પઢિયાર

મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે,

મારા અવાજને ફાઈલ-બોર્ડમાં મૂકીને

ઉપરથી કોઈએ ક્લિપો મારી દીધી છે!

હું કદાચ બંધ થવા આવ્યો છું.

નદીના કાંઠેથી છોડેલો અવાજ

સામેની ભેખડેથી અકબંધ પાછો આવે,

રસ્તો મારે કાયમ રાખવાનો હતો;

આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?

જીંડવામાંથી તડકાસોતી ફૂટીને

ભોંય ઉપર પડતી દિવેલીઓ જેવા મારા શબ્દોનાં

કોઈકે નાકાં તોડી નાખ્યાં છે!

હું તારાઓની ભરતી, ફૂલોનો ઉઘાડ,

થાપાવાળી ભીંતો, રેતની ઓકળીઓ,

પંખીઓના માળા, માટીની મહેક, વાંસના ગરજા,

શેઢાની ઊંઘ, ઊંઘને ઓઢતા ચાસ

બધ્ધું બધ્ધું ભૂલી રહ્યો છું

અહીં ટેબલ ઉપર

ઘુવડની પાંખોમાં કપાઈ ગયેલું ગાઢું અંધારું

સીવી રહ્યો છું!

એક ખતરનાક ફાંટો આગળ વધી રહ્યો છે

મારા રક્તમાં,

સાવ વસૂકી ગયેલા મુસદ્દાઓમાં

મારા શબ્દો મરી રહ્યા છે;

કાલે સવારે મારું શું થશે?

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડૉ. મોહન પટેલ
  • વર્ષ : 2015