sarkaar - Free-verse | RekhtaGujarati

સરકારને કરોડ મોઢાં હોય છે

પણ એક આત્મા હોતો નથી

સરકાર અવાજની માલિક છે

અને માલિકનો અવાજ છે

સરકાર વિચારો કરાવી શકે છે

સરકાર લેખકને લખાવી શકે છે

જાદુગરને રડાવી શકે છે

ચિત્રકારને ચીતરાવી શકે છે

ગાયકને ગવડાવી શકે છે

કલાકારને કલા કરાવી શકે છે

એક હાથે તાળી પડાવી શકે છે

રવિવારને સોમવાર બનાવી શકે છે

નવી પેઢીને જૂની કરી શકે છે

જૂનીને પૈસાદાર બનાવી શકે છે

પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે

વીજળી વેચી શકે છે, ઇતિહાસ દાટી શકે છે

અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે

સરકારોની ભાગીદારીમાં પૃથ્વી ફરે છે

સમય ફરે છે, માણસ ફરે છે

યંત્ર ફરે છે, મંત્ર ફરે છે

પણ એક દિવસ,

ગરીબની આંખ ફરે છે, અને-

સરકાર ફરે છે...

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑગસ્ટ ૧૯૭૭ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ