taimpas - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રોજ સાંજે

દીકરાને બાગમાં લઈ આવું

રમવા હીંચકા-લપસણી

ને રોજ દૂર એક બાંકડેથી

નિહાળું હું

બાગના બીજે ખૂણે

હાથ ફેલાવી ઊભું સસલું

વિશાળ પતરાનું સસલું

બે હાથ વચ્ચે એક પતરાનું ડબલું

ને ‘USE ME’ની સૂચના ઝાલી ઊભું

ચકડોળ તરફ દોડતાં છોકરાં

રસ્તામાં એને જોઈ મલકે

ને પછી દોડી જાય ઝડપથી આગળ

મોટાં બધાંય–જાતજાતનો કચરો

ચૉકલેટનાં કાગળિયાં, વેફરનાં પૅકેટના ડૂચા,

અડધાં ખાધેલાં બિસ્કિટ, પ્લાસ્ટિકની બાટલીઓ,

ટીશ્યુ, બગડેલાં ડાઈપર, ઊલટીની બૅગો

ઠપકારે અંદર ને

ચાલ્યાં જાય છે મોં આડું કરી

કોઈક એની ઉપર

પાનની પિચકારીઓય મારી જાય છે

બસ એક હું છું

જે ખોવાઈ જઉં છું એના ચહેરામાં

કોઈ સરરિયાલિસ્ટ ચિત્રકારની જેમ

ચીતરી રહું મારો ચહેરો

પતરાના સસલાના શરીર પર

ને પછી એને ગોઠવ્યા કરું

મારા ઘરના અલગ અલગ ખૂણે!

સ્રોત

  • પુસ્તક : ળળળ... (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : જવજીવન સાંપ્રત
  • વર્ષ : 2019