sanj - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આખો દિવસ

આળસુ કૂતરાની જેમ

બેસી રહેલા

બત્તીના થાંભલાઓ

એકાએક ભસવા માંડ્યા.

અવાવરુ ઘરના ખાટલા નીચે

ભરાઈ રહેલો અંધકાર

ભાંખોડિયાં ભરતો ભરતો

બહાર નીકળી ગયો.

કબૂતરના ગળાની

નિઃસહાયતા

ઘૂ ઘૂ કરતી થીજી ગઈ.

બારીમાંથી

(કોઈની આંગળી પકડી

પાછી આવવા)

ક્ષિતિજ પર દોડી ગયેલી

મારી નજર

ધીમે ધીમે

ભારે પગે પાછી આવવા માંડી.

સૂરજ ઢળી ગયો.

અને હવે

સૂરજ પણ ઢળી ગયો

ને અંધારાએ

બારી બધ કરી દીધી.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2