ghar - Free-verse | RekhtaGujarati

કોઈ સાંજે

શહેરથી થાકેલ મન

મને ગામને સીમાડે લાવી

એકલો રેઢો મૂકી દે છે.

લીમડે

હુક્કો ગગડાવતો ચબુતરો

હડી કાઢતો

રામ રામ કરતો ભેટી પડે છે.

સંગે ગુપ ચુપ ચાલતા

અંધારાની આગળ

ફાનસ ધરીને

દોડતી શેરી

મને ડેલીએ મૂકી

અળાયા કૂતરાને તગડતી

પાછી ગામમાં વળે છે.

મને ખડકીએ ભાળીને

સાંકળ ઝુલાવતી ગમાણ

દૂધની શેડથી

બોઘડું છલકાવી દે છે.

ઉંબરે ગુપસુપ કરતી

હરખપદુડી બારસાખ

ઝોલા ખાતા દીવાને

ફોસલાવતી

હળવેકથી

તેની વાટને તેજ કરે છે.

રાંધણીમાં

વાળુપાણી કરવા બેસેલ

ઘર

હરખઘેલું

બહાર દોડી આવી

મને વળગી પડે છે.

સ્રોત

  • પુસ્તક : દમક (પૃષ્ઠ ક્રમાંક 7)
  • વર્ષ : 1998