ગોલકોંડાનો કિલ્લો ને મુલ્લાં નસરૂદ્દીન
Golkondano killo ne mulla nasaruddin


ગોલકોંડાના
કિલ્લા
પર
મ્હેલ છે
ને
મુલ્લાં નસરૂદ્દીનની
ટાલ
પર
સ્હેજ ખાડો
એની વચ્ચે જ ક્યાંક ઇતિહાસ છે
એની તો
આ વાત છે.
કિલ્લા
પર તાલી બજાવું
ને
ખડા થાય
જહાંપનાહ, જન્નત, જનાબેઆલી
ખડા થાય
કુર્નીશમાં એક હજાર હાથ
જરિયાનકે જામે પર
ખડો થાય
દિવાને–ખાસ.
મુલ્લાં
નસરૂદ્દીનના હાથમાં
તો
ટીનનું એક ડબલું છે
ને
પેટમાં કબજીયાત
એની
વચ્ચે જ ક્યાંક ઇતિહાસ છે
એની તો આ વાત છે.
મુજરાઘરમાં
શમી ગયાં છે રોશનદાન
ને દિવાને–ખાસમાં
વીયાયું છે ઘુવડ
શોધ્યા કરો
હૈદરાબાદના દરવાજાઓમાં
શહેનશાહના વંશજ.
(ઊભા ઊભા
કિલ્લાની ટોચ પર)
મુલ્લાં નસરૂદ્દીન તો
ભરે છે ઓડરનું ગાદલું :
એનું અગિયાર પેઢીથી આ કામ છે
એની તો
આ વાત છે.
ઊઠી ગયા
વણઝારાના પડાવ
ને
હીરા અઢેલી
બેઠેલા પથ્થરો
ખરી ગયા
હાડોહાડ.
સામે
મુગલવંશનો
ખંડેરિયો ઢોળાવ છે
ને
આ પા
મુલ્લાં નસરૂદ્દીનના
હાથમાં દસીયું
ને
ગલા શેઠની દુકાન
એની
વચ્ચે જ
ક્યાંક ઇતિહાસ છે
એની તો આ વાત છે.
હોજ
ફૂવારા ખૂટ્યાં છે
જનાનખાનાં
બૂડ્યાં છે
માન–અકરામ
મ્હેલ–ઝરૂખા
ઉડાડીને
લઈ ગયો પવન
જ્યાં
હાકોટે
ભરાતા દરબાર
ત્યાં
આજે તો બાપા,
ઘેટાં ચરે છે.
એકાદા ઘેટાની
મુલ્લાં નસરૂદ્દીનને
પણ
આશ છે;
એની વચ્ચે જ
ક્યાંક ઇતિહાસ છે
એની તો આ વાત છે.



સ્રોત
- પુસ્તક : શેષવિશેષ ૮૪ (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : હરીશ મીનાશ્રુ, પ્રમોદકુમાર પટેલ
- પ્રકાશક : ચારુતર વિદ્યામંડળ
- વર્ષ : 1986