ek kawya - Free-verse | RekhtaGujarati

યુવાનીના આરંભકાળે

હું સતત ટીકી ટીકીને જોઈ રહેતો એવી

શહેરની એક આલીશાન ઇમારતમાંથી

નીકળતા વાસીદામાંથી પેદા થતાં જંતુઓ

મારું મગજ કોતરી ખાવા હુમલો કરતાં ત્યારે-

તેનાથી બચવા શરાબખાને જઈ

દવા લઈ લેતો હું!

ઉમ્રના ચઢાવ સાથે

જંતુઓ વૃદ્ધ થયાં છે,

પણ...

નવાં જન્મેલાં કેટલાંય જંતુઓ આજે મારા મગજને કોતરી ખાય છે.

પેદા થયાં છે

બે દિવસથી સળગેલા ચૂલાની રાખમાંથી!

થોડાંક જન્મ્યાં છે

અર્ધાંગિનીની ગ્રીવામાં લટકતી

સવા રૂપિયાની પિત્તળની ચેઇનમાંથી!

આજે હું શરાબખાનાની દવાયે નથી લઈ શકતો

ખિસ્સામાં પાકીટ પડ્યું છે. પણ...

તેને જો ખોલું તો તેમાંથીયે

જંતુઓ ધસી આવે તેમ છે.

ચાલ, આજે તો જંતુઓથી

સદાયનો છૂટકારો મેળવું.

ચાર માથોડાં ઊંડા નદીના જળમાં

તેને ડૂબાવી દઉં.

પેલી સામેની હોટલના રેડિયો પરથી

સદ્‌ગત ‘શકીલ’ ની ગઝલ પ્રસરી રહી છે.

“મુફલિસીમેં કોઈ જાગીર તો હૈ”

શકીલની વાત સાચી છે તદ્દન.

હવે જો હું જીવીશ તો-

જરૂર ‘મેન્ટલ વોર્ડ’ની લટકતી તકતી નીચેના

સામ્રાજ્યનો શહેનશાહ હોઈશ!

સ્રોત

  • પુસ્તક : વિસ્ફોટ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ચંદુ મહેરિયા
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ