tuteli khatlini is par - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તૂટેલી ખાટલીની ઈસ પર

tuteli khatlini is par

હરીશ મંગલમ્ હરીશ મંગલમ્
તૂટેલી ખાટલીની ઈસ પર
હરીશ મંગલમ્

એમ તો

ભણી-ગણીને હોંશિયાર થ્યો છું, મા!

બાળપણાં મારા બન્ને ફૂલાઓ પરથી ફાટેલી ચડ્ડી

અને

પ્હેરણની બાંયના કૉલર પર જામેલ

હિંદસંસ્કૃતિમૅલ જોવા નહીં મળે, કદાચ!

સૂરજ ઊગતાં ઘરાકવટામાં મળતી છાશ

ઑલ્લું ભરીને, મા! તું અનુભવતી આખ્ખા દિ’ની

હળવાશ;

એમાં હતી અમારી ઊની લ્હાય હાશ.

એટલે જ–

વેઠ, છાશ, અસ્પૃશ્યતા, રોટલો :

અમારું ખાલીખમ્મ ભર્યું ભર્યું જીવન.

જેઠાભા પણ, સુઘરી જેવી સૂઝ ધરાવતા :

એમનું કીમિયાગર વણાટકામ

ને પછેડીના પોતની સોડ તાણી આખ્ખો મુલક ઊંઘતો

અને

અમારી ઊંઘ હરામ!

ભાથું ખોલું ત્યાં તો

સાળશાળનો હાથ ઉદાસ

ને રેંટિયાનું રૂંગું શીદ થાય બંધ.

એની ત્રાકે તલસે ટેરવાંનું સંવેદન.

છતાંય,

આખ્ખો મુલક બદલાઈ ગયો છે.

લોકો ઊલટ-સૂલટ

લોકો આઘા-પાછા

લોકો ડાબે-ડમણે

લોકો જમણે-ડાબે

લોકો ટેઢા-મેઢા થઈ ગ્યા છે, શ્હેરમાં

ને, ખુદથી રહે છે ખુદ કોટિ કોસ દૂર,

આજે ઊબકા આવે છે સતત...

ત્યારે

એક જબ્બરદસ્ત વાવાઝોડાની

અવસ્થા ફંગોળાય

એની પ્રતીક્ષામાં બેઠો છું યુગોથી

તૂટેલી ખાટલીની ઈસ પર...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2010