netrdan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નેત્રદાન

netrdan

મનીષી જાની મનીષી જાની
નેત્રદાન
મનીષી જાની

ઘણા લોકો અદબ પલાંઠી મોં પર આંગળી

ને આંખો બંધ રાખીને નેત્રદાન કરે છે.

આજે ચારેકોર બંધ આંખે નેત્રદાનની હોહા મચી છે...

ઢોલ, નગારાં, આદિવાસી નૃત્ય

ને એલઈડી લાઇટોની ઠલવાતી ઝગમગ ઝગમગ રોશની.

આંખોના બંધ દરવાજે,

જીવંત પલકારાને પટ પટ વિના તો હું નેત્રદાન નહીં કરું.

નર્મદામાં પ્લાસ્ટર ઑફ પેરિસની

નર્મદામૈયામાં મૂર્તિ પધરાવાતી હોય ત્યારે

હું બંધ આંખો કેવી રીતે રાખી શકું?

આદિવાસીઓના હૈયાની કચડી હૈયાની ઉપર ઠોકાતી ઠેઠ ચીનમાં

સરદારની પ્રતિમા બની રહી હોય

ત્યારે હું આંખોના દરવાજા બંધ કેવી રીતે રાખી શકું?

નર્મદામૈયાનાં નીરહીર ચૂસી ચૂસી રૂપિયાની ધુમાડાબંધ

ઇન્ડસ્ટ્રીઓમાં કેમિકલ સાથે નર્મદાનીર ઊકળતાં હોય

ત્યારે વિસ્થાપિત થયેલા તરસ્યા આદિવાસીઓના લોહીઉકાળા

વખતે હું બંધ આંખો કેવી રીતે રાખી શકું?

ડેમના દરવાજા બંધ થતા હોય,

ચાલીસ હજાર નર્મદામૈયાના ખોળામાં ખેલતાં ઘર, કુટુંબ, મકાન

ડૂબી રહ્યાં હોય

ત્યારે હું બંધ આંખો કેવી રીતે રાખી શકું?

હું નેત્રદાન કરીશ, ખુલ્લી આંખે નેત્રદાન કરીશ.

સ્રોત

  • પુસ્તક : મને અંધારા બોલાવે (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સર્જક : મનીષી જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2021