chharangar - Free-verse | RekhtaGujarati

છારાનગર

chharangar

જયેશ સોલંકી જયેશ સોલંકી

મહાનગરની ભીતર વસે છે

કંઈ કેટલાંય નગર

ગયા છો કદી નગર?

એક સમયે જેઓ

ઘરવિહીન ગામવિહીન દેશવિહીન

નામ-ઠામ-સરનામાંવિહીન હતા

એવા લોકોના નગર

છારાનગર.

નગરના દરેક પુરુષના વીર્યમાં

ચોરી લૂંટફાટ ઠગાઈ ગુનાખોરીના

શુક્રાણુઓ હોય છે

અહીંની દરેક સ્રી

બાળકો નહીં બૂટલેગર અને ચોર જણે છે.

એવું કહેતા હતા અંગ્રેજો.

હજુ પણ ક્યાં બદલાયો છે અભિપ્રાય

છારાનગર વિશે?

પણ અહીં વસે છે

પાશ જેવા કવિ બનવા મથતા કવિઓ

ચિત્રકારો

અભિનેતાઓ.

અભિનેત્રીઓ પણ

પત્રકારો પણ

બુદ્ધ કબીર રોહિદાસ જેવા

મહાન સંતોના અનુયાયીઓ પણ

પેરિયારના ફૂલેના બાબાસાહેબના ચાહકો પણ

બિરસા મુંડા જયપાલસિંહ મુંડાના વારસો પણ

માર્ક્સ માઓ લેનિન પાછળ દીવાના થયેલા

યુવાનો પણ.

વકીલો, ડૉક્ટરો, ઇજનેરો, જજો પણ

મહાનગરમાં ટોપ આવવા મથતાં

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ

પણ મહાનગરના લોકોને દેખાય છે

ફક્ત

દારૂડિયા જુગારિયા પાકીટમાર

ને નગરને નાકે ઊભેલી

આણે ફરતી છારણ ફક્ત!

અને પોલીસને દેખાય છે

કાચની બોટલમાં ટપ ટપ ટપકતા દેશીદારૂ જેવા

રાણીછાપના ચાંદીના સિક્કાઓ ફક્ત!

આવો કદીક છારાનગર!

મહાનગરના છેવાડે છે છારાનગર

ફક્ત

બુટલેગરો, પાકીટમારો, સેક્સવર્કરોનું નહીં

શ્રમજીવી મજદૂર સજ્જનોનું પણ છે

છારાનગર.