maa diikraanii vaat - Free-verse | RekhtaGujarati

મા દીકરાની વાત

maa diikraanii vaat

લૅન્ગ્સ્ટન હ્યુજીસ લૅન્ગ્સ્ટન હ્યુજીસ
મા દીકરાની વાત
લૅન્ગ્સ્ટન હ્યુજીસ

તો, દીકરા, એક વાત કાને ધરજે, બેટા.

જિંદગી મખમલમઢ્યાં પગથિયાંની સડસડાટ સીડી નહોતી

ક્યારેયે, મારે માટે.

ખિલ્લીઓ વાગતી'તી એમાં

ને તીણી ફાંસોયે

ને એનું લાકડુંયે તડ પડી ગયેલું હતું જ્યાં ત્યાં.

ને ટાઢી છો ઉપર પાથરેલી કાર્પેટ ફાટેલી હતી વચ્ચે વચ્ચે.

ઉઘાડી સાવ.

પણ મારો આખો વખત હું તો

સીડી પર ઉપર ચઢતી રહી, પગથિયું પગથિયું કરતી,

ને વચ્ચેના વિસામે પહોંચતી

ને વળાંક લે જ્યાં સીડી ત્યાં વળતીક આગળ વધતી

ને ક્યારેક તો એવી આવતી જગ્યા કે સાવ અંધારી

એકે દીવો સળગતો હોય એવી.

એટલે દીકરા મારા, પાછો વળતો મા, હેઠી બાજુ,

બેસીયે ના પડતો પહોળું પગથિયું ભાળીને,

હવે તને બહુ અઘરું લાગે છે, એવા બહાને.

અરે, તું લથડતો-પડતો તો નહીં જ, હવે!

કેમ કે જો હું હજી ચાલી આગળ, મારા પે,

હજી ચડું છું હું સીડી પર,

ને જિંદગી

કોઈ મખમલમઢ્યાં પગથિયાંની સડસડાટ સીડી નહોતી ક્યારેયે,

મારે માટે.

(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

સ્રોત

  • પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2023