sagaraskhane - Free-verse | RekhtaGujarati

સાગરસખાને

sagaraskhane

દક્ષા વ્યાસ દક્ષા વ્યાસ
સાગરસખાને
દક્ષા વ્યાસ

ઊભી છું

તારી સાવ સંમુખ.

પાલતુ રૂપકડા શ્વાનની ઝાલર ઝાલીને

રુમઝુમતો રુમઝુમતો તું

નિકટ આવે ઘડીક

પાછો વળે ઘડીક.

હું નરી નિશ્ચલ.

તારી તરલ લીલા નિહાળું

ક્ષણે ક્ષણે નવતા ધારતા રૂપવૈભવને માણું.

તું આવી પહોંચે અચાનક

હણહણતા ધસમસતા

સાત સાત શ્વેત અશ્વોની સવારી પર.

ચહું

રહું નિતાંત અડોલ

તારી ન્યારી છટા મંત્રમુગ્ધ કરે મને

ધરાર આમંત્રે મને

અવિચલ ચરણોને હલબલાવી મૂકે એ.

સમયની રેત ત્વરિત વેગે

સર સર સરતી અનુભવું છું.

ઊંડી ઊતરું છું, પણ ઓગળતી નથી.

હાથ બીડી દઉં છું.

અસ્તિત્વને અડોલ રાખવાના વ્યાયામમાં વ્યસ્ત છું.

કિંતુ

મનમોહક કેશવાળીને માથોડું ઉછાળતો

ઘૂગ્ઘૂના સિંહનાદથી

આકાશના ઘુમ્મટો ગજાવતો

તું

પ્રબળ ગતિએ છલાંગ મારે છે.

અને...

મારી જાણ બહાર

આપાદશીર્ષ વીંટળાઈ વળે છે મને.

સમાવી લે છે અતલ ઊંડાણે

હવે-

હું હું નથી રહેતી

નથી રહેતી ધરતીનો જીવ

બહાર નીકળું

બની મત્સ્યગંધા.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 221)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004