sinhbal - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સિંહબાળ

sinhbal

મનીષા જોષી મનીષા જોષી

ગઈકાલે રાત્રે કોઈ મારી સાથે...,

મેં એની આંખોમાં જોયું હતું.

એની કેશવાળી બંને હાથે પકડી લીધી હતી.

અત્યારે સવારે સશક્ત સાવજના

કેસરી વાળ માત્ર મળી રહ્યા છે.

બહાર આવીને જોઉં છું,

તો ઉપર આકાશમાં, પંખીઓની એક હાર ઊડી રહી છે.

થાય છે કે એમાંથી ગમે તે એક ને

નીચે પાડી દઉં,

એનાં લોહી-માંસ અલગ કરી કરીને જોઉં.

એને ધવડાવું,

એનાં પીંછાંઓ, મારા આખા શરીર પર ફેરવું.

ને પાછી સૂઈ જઉં.

પણ, પણ, ક્યાં છે મારાં સિંહબાળ?

પૂર તાણી ગયાં

કે પવને દાટી દીધાં

કે અગ્નિએ ખાઈ લીધાં?

તગતગતી આંખોવાળાં, સોનેરી,

મારાં બચ્ચાં!

ગઈકાલે રાત્રે હજી જન્મ્યાં છે.

ક્યાં છે મારાં સિંહબાળ?

સશક્ત સાવજનું કેસરી વીર્ય પણ હજી

અહીં પથારીમાં પડ્યું છે,

પણ ક્યાં ગયાં મારાં સિંહબાળ?

સ્રોત

  • પુસ્તક : કંદરા (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : મનીષા જોષી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1996