kandra - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું હમણાં નાહી છું.

માથા પર પાણી રેડ્યું ને

સેંથા પરથી થઈને વાળ,

ખભા, નિતંબ, કમર અને

પીઠ, હથેળી, ઘૂંટણ પરથી ટપકે છે.

જો, જો, પેલો કાળો નાગ!

શંકરના ગળેથી ઊતરીને

દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો

ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે

પીળા કરેણને?

કાળોકેર વર્તાવી દીધો છે શંકરે.

મને પણ બે હાથે, ગોળ ગોળ ફેરવીને

હવામાં ફંગોળી દીધી. નીચે પટકાઈ કે

સ્તનોના ભાંગીને ભૂકા થઈ ગયા.

બત્રીસી બહાર નીકળી આવી,

છતાં હજી આંખો મીંચાતી નથી.

નજર સામે તરવર્યા કરે છે

પેલો નાગો બાવો!

આખા શરીરે ભભૂત લગાવેલો.

સપ્રમાણ દેહ, લાલઘુમ આંખો,

ગુલાબી હોઠ, ભીછરા વાળવાળો.

એનો સંઘ આખો આગળ ચાલતો જતો હતો

કંદરાઓમાં.

અને એકલો ઊભો રહી ગયો હતો, મને જોવા.

હું તાજી નાહીને બહાર ઊભી હતી જ્યારે.

અને મારા મોંમાં પણ પાણી આવતું હતું.

કેલ્શિયમની ખામી છે મારા શરીરમાં.

મને અદમ્ય ઇચ્છા થઈ આવી કે

ધૂણીની રાખની મુઠ્ઠીઓ ભરીભરીને

મોઢામાં નાખું.

મારી આખીયે જિંદગીની તપસ્યા પૂરી થઈ જાય,

પણ પળો હતી.

જ્યારે શંકર ત્રૂઠ્યો!

હું અહીં ક્ણસતી પડી છું,

અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે.

સ્રોત

  • પુસ્તક : કંદરા (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : મનીષા જોષી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1996