prithvii theatre - Free-verse | RekhtaGujarati

પૃથ્વી થિયેટર

prithvii theatre

બ્રિજેશ પંચાલ બ્રિજેશ પંચાલ
પૃથ્વી થિયેટર
બ્રિજેશ પંચાલ

મુંબઈના આત્માસમા જુહુના દરિયાકિનારા નજીક વસેલી

‘જાનકી કુટિર’ની હંમેશાં જીવંત રહેતી ગલીઓ કોરીને,

પહેલી વાર મળવાનું થયું ત્યારે,

હું તને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો!

કારણ એક હતું.

લોકો તારાંમાં ભજવાતી અને જિવાતી કલાને જોવાં,

ક્યાંય જોવાં મળતી એવી -

શિસ્ત જાળવીને એક હરોળમાં ઊભાં રહે છે.

ને તું બદલામાં શું દેખાડે છે! તારું સાવ કાળું ડિબાંગ શરીર!

કહેને તેં શા માટે કાળો રંગ પહેર્યો છે?

લાગે છે, તે વિજ્ઞાનના પેલાં સિદ્ધાંતને બરાબર પચાવી લીધો છે -

કાળો રંગ હંમેશાં ઊર્જા શોષે છે!

મને ખાતરી છે, તેં ચોક્કસ -

તારી પાસે આવતા હરેક કલાકારની નોખી કલાત્મક ઊર્જા પી જવા

રંગ અપનાવ્યો હશે! ને હા, કદાચ -

ધરતી પરના દરેક બુદ્ધિજીવી તારા ગર્ભમાં પ્રવેશી,

એમની ઊર્જાનું, તને આચમન કરાવશે, એવી ઇચ્છા રાખીને તેં -

તારી કાળી ભીંત પર કાળા અક્ષરે

‘પૃથ્વી થિયેટર’ લખાવ્યું હશે!

તને ખબર છે?

આજે પણ લોકો બીએ છે - તારી થર્ડ બેલથી!

મોટમોટાં શેઠ-શેઠાણીઓ,

કળાકારો અને તારા માલિક સુધ્ધાં,

તારા ઓટલે, થર્ડ બેલ પછી અદબથી બેસે છે.

એમનું રાહ જોઈને બેસી રહેવું,

તારાં કમાયેલાં ઇજ્જત ને પ્રેમ છે!

તારાં ખોળામાં રમતી બૂકશોપમાં,

શેક્સપિયર અને કાલિદાસ રોજ ફરવા આવે છે!

હવે આવે ત્યારે કોઈ એમને, તારા કૅફેની આઇરિશ કૉફી પિવડાવશે તો

‘અમૃત’ કોને કહેવાય બેય સમજી જશે!

ને હા, ભૂલેચૂકે જો બંને તારાં કૅફેમાં બેઠેલાં લોકોને મળશે તો તો,

દેશ-દુનિયાના બધા સમાચાર

મસાલો મારીને મફતના ભાવે મળી જશે!

ને દોસ્તો સાથે વાતો કરતાં-કરતાં સમય,

ક્યારે સરકી જશે એની ખબર નહીં પડે!

તારાં બૅકસ્ટેજ અને ઊંચે બિરાજમાન ગ્રીનરૂમમાં,

ઘણાં યોદ્વાઓ તૈયાર થયા છે!

જે સરહદ પર લડવા જેટલી તાકાતથી જ,

રંગમંચ સામે બેઠેલા અને અદ્રશ્ય થઈ ગયેલાં

પ્રેક્ષકો સામે ઝઝૂમી રહ્યા છે!

તારો સીધો-સટાક ડાઉન-ટુ-અર્થ રંગમંચ

અહાહા… ઓહોહોહો… અહાહા… ઓહોહોહો…

એવો તે જાજરમાન… જે -

અર્ધગોળાકાર પ્રેક્ષાગૃહની છેલ્લી હરોળમાં બેઠેલાનાં કાનમાં જઈને,

વિના માઇકે અવાજ પધરાવી આવે.

રોજે તારો ઇતિહાસ સાચવી રાખવા,

તારી ભીંતો પર ભૂતકાળને ચોંટાડી તાજો કરાય છે.

મારા જેવા ઘણા તારા પરિસરના બાંકડા પર બેસીને સપનું જુએ છે,

તારી અંદર આવીને લોકોનું દિલ જીતવાનું!

મને ખાતરી છે, તું આવાં સપનાંઓને ભેગાં કરી

એનો એક ભવ્ય ‘પૃથ્વી ફેસ્ટિવલ’ કરીશ,

જેને જોવા આવશે ખુદ ‘ભરત મુનિ’

જોશે કે રોજ મંચ પર

‘નાટ્યશાસ્ત્ર’ના નિયમો સાથે પ્રયોગ કરતા લોકોમાં,

એવું શું છે? જેની પર શ્રદ્ધા રાખી કળાકાર,

પેટ અને ખિસ્સું ખાલી રાખીને પણ,

ભજવ્યા કરે છે,

ના… ટ… ક…

ના… ટક!

નાટક!

સ્રોત

  • પુસ્તક : મૌનથી શબ્દમાં કાણું પડશે (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : બ્રિજેશ પંચાલ
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2025