તમે ઘેર નથી
tame gher nathi
મણિલાલ હ. પટેલ
Manilal H. Patel

વાડ પર બેસીને દૈયડ ગાય છે
વાડના કાંટાઓ એનાથી સુંવાળા થાય છે
ને તમે ઘેર નથી...
બારીમાંથી મધુમાલતીની વેલ અંદર આવે છે
ભીંતો ઓરડાઓ મહેક મહેક થાય છે
ને તમે ઘેર નથી...
ચાંદની આવીને પથારીમાં બેસે છે, પછી –
સૂનમૂન પંખી પણ કલરવતું થાય છે
ને તમે ઘેર નથી...
કેટલા દિવસો પછી એક પતંગિયું
આજે આવ્યું છે ઘરમાં ને
ફરફરે છે હવા શું બધબધે
કણકણમાં કોઈ રણઝણ રણઝણ રણઝણે છે
ને તમે ઘેર નથી...
પહેલો વરસાદ અને માટી પણ મહેક મહેક
છાતીમાં આરપાર મારમાર
તારતાર વાછંટો વાય છે
ને તમે ઘેર નથી...
શ્રાવણમાં ભીંજાતા તડકાઓ સંગાથે
આખ્ખુંયે ઘર હવે ઓગળતું જાય છે
ને તમે ઘેર નથી
વેલાથી લીલેરી વાડ ખુદ ગાય છે
કે તમે ઘેર નથી.
(૦૯–૦૫–૨૦૦૮, શુક્રવાર)



સ્રોત
- પુસ્તક : સીમાડે ઊગેલું ઝાડવું (પૃષ્ઠ ક્રમાંક 63)
- સર્જક : મણિલાલ હ. પટેલ
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન
- વર્ષ : 2011