preyasi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગમે ત્યારે

ગમે તે રીતે

પહોંચું એની પાસે,

બે હાથ ફેલાવીને મને સ્વીકારે

ટાઢમાં, ધોમધખતા લૂખા બપોરિયે

ઝટ આવી ને ઝટ ખોવાઈ જતી સાંજે

કે પછી બધાને પોતાનામાં

સમેટી લેતી ભયાવહ રાત્રિએ

મને સ્વીકારે

રાત્રિ આખીને સહવાસ માણ્યા પછી

જાણે હકથી છાતી પર હળવેકથી પડી રહે

પવનની ઠંડી લહેરખીઓના સ્પર્શથી

મંદ મંદ હસતી અખંડ કૌમાર્ય

કો કુમારિકા જેમ

જતાવે ના ક્યારેય છતાં એની કામુક સત્તામાં

મને સ્વીકારે

જોડે લઈ જઉં કોક અલગારી પ્રવાસે

કે ભૂલી જઉં એને સદંતર

ગુસ્સે ભરાઈને ધકેલી દઉં કે મનભરીને

માણ્યા કરું આકંઠ

ખોળાની હૂંફ માંગુ કે રડનાર ખભો કે પછી

અલ્લડ ભાઈબંધી

એની તમામ પ્રતિસ્પર્ધીઓથી અલગ

ટાણે-કટાણે

મને સ્વીકારે

યુદ્ધોમાં, સાહસો-દુઃસાહસોમાં, શિખરો પર,

આરણ્યકમાં, અતળ મહાસાગરનાં ઊંડાણોમાં,

જીવન-મૃત્યુ પાપ-પુણ્યોની જંજાળોમાં,

ક્વચિત્ મૃત્યુપર્યંત દરેક યાત્રામાં

આંગળી જાલીને લઈ જશે કે પછી

આંગળી ઝાલીને જોડે આવશે

મારી પ્રેયસી

મારી આજીવન પ્રેયસી

મારી કિતાબ.

સ્રોત

  • પુસ્તક : સર્જનની ક્ષણે (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : મેહુલ દેવકલા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019