રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકોઈ ડૂબી ગયેલા વહાણમાં માછલીઓનું ટોળું પેસે,
ચળકતા રાતા રંગનાં પારદર્શક શરીરવાળી ત્રણસો ચારસો માછલીઓનું તરવરતું ટોળું,
એ રીતે તું મારા શયનખંડમાં આવે છે.
મોટા ભાગના મુસાફરોને હોડીઓમાં બેસાડી,
રોતાં કકળતાં બૈરાંછોકરાંને હિમ્મતના બે બોલ કહેતે કહેતે,
કૂવાથંભ ભાંગેલા પોતાના જહાજ સાથે પાણીમાં ગરમ થઈ ગયેલા કપ્તાન જેવો.
ગળે મફલર વીંટેલો ઊનની ટોપી માથે પહેરેલો હું,
કૅબિન લાઈટ ચાલુ કરી, દરિયાના આ ભાગમાં આવેલા ખરાબાઓના લેટેસ્ટ મૅપ જેવી આકર્ષક,
પેપરબૅકમાં બહાર પડેલી, પણ મૂળ તો મધ્યકાલીન પ્રશિષ્ટ કથાકૃતિ, વાંચતો હોઉં છું.
તારી આંખોમાં કુતૂહલ અને મજાક છે.
તારી છસોએ છસો, આઠસોએ આઠસો આંખોમાં.
માછલીઓ ચુસ્ત, ટટાર, ઊભી ટોળી બનાવીને ત્યાં ને ત્યાં તરે છે.
ખરાબાઓના આ નવા જ નકશામાં
તને રસ પડ્યો હશે, એમ મને લાગે છે,
અને થોડીક પંક્તિઓ, શરૂઆતના કડવાની, તને હું વાંચી બતાડું છું.
પણ તું અચાનક તારો આકાર બદલીને,
મારા આખા શરીર પર પથરાઈ જાય છે,
ને મને ખ્યાલ આવે છે કે ટોળામાં ઘણી માછલીઓ
ઘેરા ભૂરા અને ઘૂંટેલા જાંબુડી રંગની પણ હતી.
અને ત્રણસો ચારસો નહી, ઘણી વધારે હતી.
ને એમાંથી દરેકને દરિયાના દરેક ખરાબાની
પૂરેપૂરી જાણકારી હતી, ને એ તો એમના
રમવા-સંતાવાની જગ્યા હતી.
તું મારા કંઠે ખભે, કમર પર, પગ, નિતંબ
અને શિશ્ન ફરતે વિંટળાઈ વળે છે, રમે છે, ને
મારી છાતીમાં ભરાઈ મારાથી સંતાઈ જાય છે.
કૅબિન લાઈટ હવે રાતા, ભૂરા
અને છેલ્લે તો ઘૂંટેલા જાંબુડી રંગનું થઈ જતાં
એમાં કશું વાંચી શકાતું નથી.
ને મને પણ લાગે છે કે
વહાણ ભાંગી ગયા પછી નકશાની વીગતો શા માટે જોવી?
તું સ્હેજ વારે, આકાર બદલી કેબિનમાં આમતેમ તરે છે,
ને, જો કે મારા ભાંગેલા વહાણની
હજી ન ભાંગેલા ગોળ કાચવાળી બારીની બંને બાજુ
એક જ દરિયાનાં ખારાં પાણી હવે તો છે, છતાં,
એ બાકીની આડશે જઈ, એક દીર્ઘ, લંબગોળ,
ચમકતી આંખનો આકાર ધારણ કરી,
તું કશુંક બહારની તરફ જુએ છે.
ત્યાં કોઈક છે.
મને યે દેખાય છે કે ત્યાં કશુંક છે.
આ મધદરિયે તો ગમે તે દરિયાઈ સત્તા ફાવે તે કરી શકે.
દરિયાના તળિયે, પાણીમાં જ ફાટેલા જ્વાળામુખીઓનો રસ
પાણીમાં જ ઠરી જઈને
પહાડના ફાટેલા તાળવાની ફરતા બનેલા ટાપુઓ
અને ખરાબાઓ પર કોઈની પ્રભુતા ચાલતી નથી.
ને એટલે જ તો
ડીપ-સી ફિશિંગ કરતાં ફેક્ટરી જહાજો
અને ડૂબેલા ખજાનાઓ શોધતા સાહસિકો
આ પાણીની સપાટી પર જોવા મળે છે.
તું ત્રણસોચારસો નહીં, હજારોની
હજારો માછલીઓનું ભર્યું ભર્યું ટોળું છે
ને તારા શરીરને પકડી, જકડી, પછાડી,
ધોકે ટીપી, અધમૂવું કરી, નીચોવી
તેલ, ખાતર અને મસાલેદાર સીફૂડ મેળવી શકાય છે.
મારા ભંડકિયામાં ઇક્વાડોર અને માચ્ચુ
પિચ્ચુના ઇન્કાઓનું સોનું છે, ગોલકોન્ડા અને
હમ્પીનાં મંદિરોનું ઝવેરાત છે. કાળા હબસી
હાથીઓના તોતિંગ દંતશૂળોના પટારાના પટારા છે.
જે કોઈ છે તે કદાચ રેફ્રિજરેટેડ, ડીપફ્રીઝ તાકાંઓવાળા
ફેક્ટરી-શિપમાંથી ફેંકેલી
અને મોંઘાદાટ સોનાર-યંત્રોથી દોરવાતી,
નાયલોનની વિશાળ જાળનું ગૂંચળું જ હોય,
કે પછી કોઈ કાણો ચાંચિયો, શરીરે તેલ ચોપડી,
મોંમા તેલનો કોગળો ભરી, દરિયાતળ પર પડેલું સોનું ગોતે છે.
માદા હોવાને કારણે કે પછી માછલી હોવાને કારણે
તું તો પલકમાં બધું પામી ગઈ હોય એમ,
જોતજોતામાં તો એકે આકાર હાથ ન લાગે એમ,
પાણીમાં જાણે પાણી થઈ પથરાઈ જાય છે.
ને છાલકે છાલકે ચળકે છે તારી આંખો, બીલોરી તેજભરી!
આટઆટલી આંખે તું શું જુએ છે ગુપચુપ ચળકતી ચોમેર?
– ઝલાઈ જવાનો ડર અને ઝલાઈ જવાની લાલસા, —
રાતા-ભૂરા-જાંબુડિયા રંગોની ઝાંયભરી,
તારા પારદર્શક શરીરમાં ઝબક્યા કરે છે.
નકશાનો વીંટો વાળી, કેબિન લાઈટ બુઝાવી,
મફલરની ગાંઠ ગળા ફરતી વધારે મજબૂત કરી,
હું દરિયાતળની શેવાળોથી છવાયેલા મારા તૂતક પર ચાલું છું.
તૂતક આટલું લાંબું હશે એની મને જાણ નહોતી.
બને કે ડૂબી ગયા પછી
બધાં ડૂબેલાં વહાણો એકબીજા સાથે જોડાઈ જાય છે
ને એમનાં તૂતકોનો એક ખૂબ લાંબો રસ્તો
દરેક ડૂબેલા વહાણવટીએ કાપવો જ પડે,
એવો રિવાજ હોય છે.
એટલે જ પાછો ફર્યા વિના
તૂતકના એ રસ્તે જઈ હું તપાસ કરું છું કે બહાર કોણ છે.
આસપાસ કોઈ જ નથી.
જો કે મારે કોઈની અપોઈન્ટમેન્ટ પણ નથી.
ખરું જોતાં તો કોઈ ઘૂસણખોર હોય તો તપાસવા હું નીકળ્યો છું,
પણ મારા વોટરપ્રૂફ ઘડિયાળનું રેડિયમડાયલ હું જોઈ લઉં છું.
ડિસપોઈન્ટ થઈ ગયા જેવું લાગે છે.
સમુદ્રનો કોઈ ઠંડો પ્રવાહ
આ તરફ હવે વહેતો હશે, તે આસપાસનું અંધારું ખૂબ ઠંડુ છે.
ઘણાં ઘરો હવે બંને તરફ દેખાય છે,
જે દરિયાના તળિયાના ભરચક કાદવમાં ત્રાંસાં ખૂપેલાં છે
અને સ્હેજ સ્હેજ હાલ્ચા કરે છે.
તૂતકનો અંત નથી.
રસ્તાની એક બાજુ હવે ફિશમાર્કેટ આવે છે.
સુકાવેલી માછલીઓ ત્યાં વેચે છે.
આટલે મોડેથી, આવી ઠંડીમાં કોણ બહાર આવે?
લેનાર-વેચનાર કોઈ નથી.
સ્ટોલ્સમાં નાયલોનની ચળકતી રાતી
અને ભૂરી દોરીઓ તો બાંધેલી છે
પણ વેચવા આણેલી માછલીઓ ત્યાં લટકતી નથી.
ફક્ત સુકાવેલાં માછલાંની ગંધ ચોમેર હજી ચીપકી રહી છે.
મારો શ્વાસ રૂંધાય છે.
ત્યારે રમૂજ સાથે મને સમજાય છે કે હજી શ્વાસ ચાલે છે.
બાગમાં પેસું છું.
દરિયાઈ વનસ્પતિ ખીલી છે.
એમની તૂટીને નીચે પડેલી કાળી ડાળીઓ
મારા બૂટ નીચે આવીને તૂટે છે.
ને ગાબડાં પડેલું તૂતક હવે ચાલવાજોગ રહેતું નથી.
છતાં થોડુંક ચાલી, પૃથ્વીનો ચકરાવો લઈ, શયનખંડમાં હું પ્રવેશું છું.
ત્યાં, પાણીમાં કશું યે નથી.
મફલર જરા ઢીલું કરી, ચોપડી હાથમાં લઈ,
બે–એક પંક્તિ અમથી જ મોટેથી વાંચી,
પાછો હું ડૂબી જાઉં છું.
(ફેબ્રુઆરી, ૧૯૯૫)
સ્રોત
- પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 39)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009