parajit rajya - Free-verse | RekhtaGujarati

પરાજિત રાજ્ય

parajit rajya

હર્ષદેવ માધવ હર્ષદેવ માધવ
પરાજિત રાજ્ય
હર્ષદેવ માધવ

બહાર

સૈન્ય મને આકુળવ્યાકુળ કરતું ઊભું છે.

ભીંતો

જીર્ણશીર્ણ થઈ ગઈ છે.

રાત્રીની બારીઓ ખૂલી ગઈ છે.

પ્રત્યેક વૃક્ષ પર આગિયાની જ્વાળાઓ દેખાય છે.

વ્રણથી પીડિત આંખો માર્ગ સુધી જઈને પાછી ફરે છે.

અંદર

કોઠારો ખાલી થઈ ગયા છે.

જળનું તળિયું દેખાઈ ગયું છે.

પ્રત્યેક દિવસે

તારી પ્રાપ્તિનાં સ્વપ્નો

છિન્નભિન્ન થઈને તૂટે છે

હે અલકનન્દા!

કિલ્લામાં બંધ રાજાની જેમ

હું તારી રાહ જોઉં છું.

મારા સામ્રાજ્યમાં

તું પણ સંપૂર્ણ ધ્વંસ પછી

તારો વિજયપ્રવેશ ઇચ્છે છે?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 436)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004