કુવેમ્પુ
Kuvempu
જળ શા માટે વહે છે?
તે વહે છે
સમુદ્રમાં ભળી જવા માટે?
તે ભળી જાય છે.
પરંતુ તેથી શું?
જળ સમુદ્રમાં ભળી જવા માટે નથી વહેતું
તે વહે છે અને સમુદ્રમાં ભળી જાય છે.
બસ, બીજું કશું નહિ.
અગ્નિ શા માટે પ્રજ્વળે છે?
તે પ્રજ્વળે છે
અન્ન રાંધવા માટે?
તેથી અન્ન રંધાય છે.
પરંતુ તેથી શું?
અગ્નિ અન્ન રાંધવા માટે નથી પ્રજ્વળતો
તે પ્રજ્વળે છે અને અન્ન રંધાય છે.
અન્ય કશું નહિ.
સૂરજ શા માટે પ્રકાશે છે?
તે પ્રકાશે છે
ધરતીને પ્રકાશિત કરવા માટે?
પ્રકાશ પ્રગટે છે
પરંતુ તેથી શું?
સૂરજ ધરતી પ્રકાશિત કરવા માટે નથી ઊગતો
તે પ્રકાશે છે અને ધરતી રોશન થાય છે.
અન્ય કશું જ નહિ.
સૃષ્ટિની ઉત્પત્તિનું પ્રયોજન શું?
તે ઉત્પન્ન થઈ
કર્મો વડે મુકિ્ત મેળવવા માટે?
મુકિ્ત મળે છે.
પરંતુ તેથી શું?
કર્મો વડે
મુકિ્ત મેળવવા માટે સૃષ્ટિ ઉત્પન્ન
થઈ નથી.
તેની ઉત્પત્તિથી
કર્મનાં બંધન તૂટે છે.
બસ આટલું જ.
(અનુ. મંગળ રાઠોડ)
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1969 (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
