Dhinchan par makhi bethi ne - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઢીંચણ પર માખી બેઠી ને

Dhinchan par makhi bethi ne

રાવજી પટેલ રાવજી પટેલ
ઢીંચણ પર માખી બેઠી ને
રાવજી પટેલ

ઢીંચણ પર માખી બેઠી ને

મને રડવું આવ્યું;

હે... તું કેટલાં બધાં વર્ષો પછી

પાછી આવી?

મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ

એની પર

કોઈનોય સ્પર્શ થતો ન’તો.

ચરામાં દર્ભ ઊગતો, સૂકઈ જતો, તૃણ તૃણ થઈ

ઊડી જતો.

ઝાડ પર બાચકો પોપટ બેસતા

અને ખરી જતા

પણ મારા ઢીંચણ તો સાવ ઊંડી વાવ જેવા ખાલી ખાલી

આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે!

મને થાય છે:

ચોકની માટીમાં રગડપગડ આળોટું

પણ

હે...તું કેટલાં બધાં વર્ષો પછી

પાછી આવી?

આજે કામ બામ નથી કરવું,

માખી ઊડી જશે તે પછી હું

મારા ઢીંચણને ચબ્બક ચબ્બક ધાવીશ.

બગીચામાંથી સૂર્યમુખીનું ફૂલ ચૂંટીને

એના પર મૂકીશ.

પૃથ્વી પરની

એક માખીને પણ

મારો ઢીંચણ મીઠો લાગે

પછી મને કેમ રડવું આવે?

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2