parsewo - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છલોછલ તડકામાં

ટકોટક ગરમ થઈ

ઊભો છું નીતરતો પરસેવે

જું છું કે કેવાં સપનાં જુએ છે?

પળ વીત્યે મુંઝાઉં છું

પરસેવો

સપનાં

સેવે

એક એક શબ્દ છૂટક છૂટક અવાજ બની પથરાય છે

હું સાંભળવા મથું છું એના સાયુજ્યનો અવાજ.

યોગ્યતા, આકાંક્ષા, સન્નિધિ ધરાવતો અવાજ:

પરસેવો સપનાં સેવે.

કારણ કે પરસેવો જીવતરનું તૂત, મારા બાપજી

પરસેવો કળતરનો ખૂંપ, મારા બાપજી

પરસેવો ટીંબાની ધૂળ તણું ગીત

પરસેવો ટીંબાની ધૂળ તણું ગીત

પરસેવો ઝિબ્રાની દોડ સમી જીત

લો, જુઓ,

અહીં, પણે, ત્યાં ઠામેઠામ

પરસેવે જે કીધાં કામ

ગણ્યાં ગણાય નહીં

વીણ્યાં વીણાય નહીં

માત્ર પરસેવાના મનમાં સમાય

અગ્નિની લબકારા લેતી જ્વાળા થઈ વાય

ઈન્ટરવ્યૂમાં પૂછો તો કહી શકાય

પરસેવો માનું દૂધ છે

પરસેવો પ્રિયાનો પમરાટ છે

પરસેવો અશ્વત્થામાનો શાપ છે

પરસેવો અણુબોમ્બનો બાપ છે

પરસેવો એવો અજરઅમર છે

એવો અજરાઅમર છે

કે ઈશ્વરે ઢૂંકડો વસે

આદિમાનવ પાસે પરસેવાનો અર્થ હતો ખારો

હવે નથી

હવે પરસેવો અર્થાય છે સોનું ચાંદી થઈ

ભૂખની વણઝાર થઈ

સુંવાળપની સેજ થઈ

ત્રાસની ત્રાડ થઈ

આમ તો પરસેવાની નામકહાણી

ને પરસેવાની રામકહાણી

રોમ રોમ વચ્ચે

હિંસક જનાવરોએ લોહી ચાખ્યાની ઘટના છે.

કોકને માટે છલના છે

કોકને માટે વંચના છે

કોકને માટે વેદના છે.

હે હે હે, કેવી આડી અવળી વાતે ચડી જવાયું

હસવામાંથી ખસવું થાય એવું થયું, નહીં?

ચાલો, ત્યારે નોંધી લો ય...

પરસેવા વિશે

કે પરસેવા મિશે

પાણીની ગંધાતી ખારપ

કે ગંધાતું ખારું પાણી

એવા અગડંબગડં સંસ્કારો

ઠલવાય ચિત્ત પર

તો પરસેવાસ્થ રહેવું ને ગભરાવું નહીં

કારણ કે

માણસ માત્રને પરસેવો થવાનો ને થવાનો જ.

ને એના ધર્મ પ્રમાણે ગંધાવાનો તે ગંધાવાનો જ.

વળી ચિત્ત ચિત્ત છે

સંસ્કાર સંસ્કાર છે

પરસેવો પરસેવો છે

એનું હોવું સાબિત કરે છે

સકામ કે નિષ્કામ

સગુણ કે નિર્ગુણ

સાકાર કે નિરાકાર

બધું સમાન છે.

આમ તો પરસેવાની ભાષા સમાન

એવું એનું સ્વમાન

છતાં એને અવગણનારાઓ

સ્વીકારે નહીં એનું વાસ્તવ

તો ભલે

હત્યા થાય ઠંડે કલેજે એમની

પરસેવાના હાથે

કારણ કે

શરીરે શરીરે

પરસેવો લીલા કરે કૃષ્ણની જેમ

તો સુદર્શન ચક્ર પણ છોડી શકે.

કિંતુ

પરસેવા અંગે દૃષ્ટિવિભ્રમો

અને મતિવિભ્રમોનો

છલકાય છે પારાવાર

જે પરસેવાના ઇતિહાસને ઠેલ્યા કરે છે

એથી સહુને જત જણાવવાનું કે

પરસેવાને જુઓ

બિલોરી કાચમાંથી તો

સ્વાતિ નક્ષત્રમાં પાકેલું સમુદ્રના પેટાળે

મોતી દિસે

ને જુઓ બાયનોક્યુલર વડે તો

સાક્ષાત્ પૃથ્વી દિસે...

બાકી પરસેવાનો પમરાટ ક્યાં નથી

જ્યાં જ્યાં શરીર ત્યાં ત્યાં પરસેવો

પોન્ડ્સ કે નાઈસીલ

કે જ્હોન્સન બેબી પાવડર,

ગમે તે વાપરો

એનું પોત એવું પ્રવાહી કે

બધું તાણી જાય

ને પોતે આછરીને જામી જાય

ભૂંસો તો ભૂંસાય નહીં,

લૂછો તો લૂછાય નહીં,

ધૂઓ તો ધોવાય નહીં

તો થાય થાય ને ધરાર થાય

કારણ કે

પરસેવો પંચ મહાભૂતોનો અદ્‌ભુત રાગ છે

એને સૂર છે

એને તાલ છે

એનાં મૂળ માટીમાં છે

ને એની એષણા આકાશને આંબવામાં છે.

સ્રોત

  • પુસ્તક : યાદવાસ્થળી (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : બારીન મહેતા